વોકીંગપ્લાઝામાં નગરપાલીકાની બેદરકારી બહાર આવી: પર્યાવરણપ્રેમીઓએ ઠાલવ્યો આક્રોશ
પોરબંદર તા.24
પોરબંદરવાસીઓ અવારનવાર પીવાના પાણી માટે ભરશિયાળે તરસે છે તેવા અનેક બનાવો બાદ હવે વૃક્ષો પણ પાણીના ટીપાં માટે તડપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પક્ષીઅભ્યારણ્ય પાસે વોકીંગપ્લાઝામાં નગરપાલીકાની બેદરકારી બહાર આવી છે કે જયાં પાણીની મોટર બગડી જતા 15 દિવસથી વૃક્ષો પાણી વિહોણા છે.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના વોકીંગપ્લાઝામાં મોટીમાત્રામાં વૃક્ષો અને લોનનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતનની જવાબદારી નગરપાલીકાના તંત્ર દ્વારા લેવામાં આવી છે પરંતુ અગાઉ પણ અનેક વખત વૃક્ષોને સમયસર પુરતું પાણી નહી પીવડાવનાર તંત્રની ફરી ઘોર બેદરકારી બહાર આવી છે જેમાં પાણીની મોટર બગડી ગયા પછી છેેલ્લા 15 દિવસથી વૃક્ષોને પાણી પીવડાવવામાં આવ્યું નથી. જેના કારણે લોન અને ફુલીછોડ સહિત વૃક્ષો સુકાઈ રહ્યા છે. અહી વોકીંગ માટે આવતા લોકોએ જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલીકાના સત્તાધીશોને જાણ કરી હતી પરંતુ ‘હજુ મોટર રીપેર થઇ નથી’ આવા જવાબ મળી રહ્યા છે. શું 15-15 દિવસ સુધી પાણીની એક મોટરનું સમારકામ પણ નગરપાલીકા કરાવી શકે નહિ? તેવો સવાલ ઉઠાવીને વધુમાં ઉમેર્યું છે કે જયાં સુધી મોટરનું સમારકામ થાય નહી ત્યાં સુધી ટેન્કર મારફતે પાણી પહોંચાડવું જોઈએ તે જરૂરી બન્યું છે.