પોરબંદરમાં પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરાવવામાં અરજદારોની આંખોમાંથી વહે છે રોષ સાથે અશ્રુઓનો દરીયો

સંવેદનશીલ હોવાનો દાવો કરતી ભાજપ સરકાર લોકોને લાઈનમાં ઉભા રાખીને શું સાબિત કરવા માંગે છે?: આધારકાર્ડ અપડેટ માટે અપુરતા સેન્ટરોમાં બાયોમેટ્રીકની કામગીરી કઈ રીતે શકય બને?: નોટબંધી વખતે થઇ હતી તેવી જ હેરાનગતિ વેઠી રહેલ જનતાની સહનશક્તિની લીમીટ પૂર્ણ થાય તે પહેલા તંત્ર અને સરકાર જાગે: સોશ્યલ મીડીયામાં પણ ઠલવાઈ રહ્યો છે મોદી સરકાર વિરૂધ્ધ બળાપો

પોરબંદર,તા.24
પોરબંદર સહિત રાજય અને દેશભરમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની કામગીરી થઇ રહી છે જેમાં પાનકાર્ડ અથવા આધારકાર્ડમાં નામની કે અન્ય કોઈ ભુલ હોય કે મોબાઈલ નંબર અપડેટ કરવાના હોય ત્યારે સામાન્ય જનતાને નોટબંધી વખતે કલાકો સુધી લાઈનમાં ઉભવાની જે સજા વેઠવી પડી હતી. તેવી જ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે અને પાનકાર્ડ કે આધારકાર્ડ લોકો ઘરમાં છપાવતા નથી. તેથી ભુલ સરકારી તંત્ર કે જે તે સેન્ટર ધારકની છે. તેનોભોગ સામાન્ય પ્રજાને બનાવીને બાનમાં લેવાનો ધંધો આદરનારી ભાજપ સરકારના નેતાઓ, આગેવાનોથી માંડીને અંધભકતો અને વિપક્ષો પણ મોઢામાં મગ ભરીને બેસી ગયા છે. જનતાની સહનશક્તિની લીમીટ પૂર્ણ થાય તે પહેલા તંત્ર અને સરકાર જાગે તે જરૂરી બન્યું છે.
પાનકાર્ડને આધારકાર્ડ લીંક કરાવવાની છ વર્ષથી મગજમારી
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરાવવા માટે સાત વર્ષથી કહેવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 6 વર્ષથી અસંખ્ય લોકો લીંક કરાવ્યા વગરના રહ્યા છે અને હવે તા. 1/4/2022 એટલે કે છેલ્લા 1 વર્ષથી 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. 6-6 વર્ષથી લીંક કરવાની કામગીરીમાં લોકોને અનેક મગજમારીઓ વેઠવી પડી રહી છે અને હવે દંડ વસુલીની સાથોસાથ ખુબ જ ઓછા સેન્ટરોમાં આધારકાર્ડ અપડેટ કરવાની કાર્યવાહી થઇ રહી છે. જેના કારણે પોરબંદરમાં વહેલીસવારથી જ જુદા જુદા સેન્ટરો ઉપર લાઈનો લાગી રહી છે.
આધારસેવા કેન્દ્રો ઉપર સવારે 5 વાગ્યાથી લાગે છે લાઈનો
પોરબંદરમાં હજારો લોકોના આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક થતા નથી. તેનું કારણ તેમાં નામ અને સરનામા સહિત અન્ય ભુલો છે અને તેથી આધાર સેવા કેન્દ્રો ખાતે તેને અપડેટ કરાવવા માટે વહેલીસવારે 5 વાગ્યાથી લાઈનો લાગી જાય છે. લોકો ચંપલથી માંડી થેલીઓ રાખીને ટોકન મેળવવા માટે કલાકો સુધી રાહ જુએ છે અને 10 વાગ્યા આસપાસ ટોકન આપવાની કામગીરી શરૂ થાય ત્યારે માત્ર 30-40 ટોકન જ આપવામાં આવે છે. તેથી લોકો ખુબ જ હેરાનગતિ વેઠી રહ્યા છે.
માત્ર 9 સેન્ટરોમાં આધાર અપડેટની કામગીરી
પોરબંદરમાં માત્ર 9 સેન્ટરો ખાતે આધાર અપડેટની કામગીરી થઇ રહી છે. જેમાં બાયોમેટ્રીકસ, ફોટો તથા એરીસ અપડેટ થાય છે. પરંતુ આ સેન્ટરોમાં ખુબ જ ઓછા સમય માટે કામગીરી થઇ રહી છે. પોરબંદરમાં જુના ફુવારા પાસે આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, રેલ્વે સ્ટેશન રોડ ઉપર સી.એચ.સી. આધાર સેવા કેન્દ્ર, ખોજાખાના પાસે બેંક ઓફ ઇન્ડીયા, રાણીબાગ પાસે જુની કલેકટર કચેરી, એસ.ટી.પાસે આવેલમુખ્ય પોસ્ટઓફીસ, બોખીરા બસસ્ટેશન પાસે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, ખીજડીપ્લોટ સામે આવેલ એચ.ડી.એફ.સી. બેંક અને બસ સ્ટેશન રોડ ઉપર આવેલ જીલ્લા પંચાયત કચેરી ખાતે આધાર અપડેટની કામગીરી થઇ રહી છે. પરંતુ આટલા સેન્ટરમાં હજારો લોકોની કામગીરી કઇ રીતે શકય બને તેવો સવાલ ઉપસ્થિત થયો છે.
લોકો રોજ પાડીને તથા કામ અધુરા છોડીને ઉભે છે લાઈનમાં
પોરબંદર શહેર અને જીલ્લામાં તથા ગામડામાં નોકરી અને મજુરી કામ કરતા સામાન્ય માણસો પોતાના રોજ પાડીને, રજા રાખીને, કામ અધુરા છોડીને લાઈનમાં ઉભા રહે છે. પરંતુ સમયસર ટોકન મળતા નથી. તેથી નિરાશ થઇને પરત જાય છે. જીલ્લા પંચાયત કચેરી ખાતે સવારે લોકો લાઈનમાં પાંચ કલાક ઉભા રહે છે પછી એવું જણાવી દેવાઈ છે કે અત્યારે બાળકોના આધારકાર્ડની કામગીરી થશે, તમે બપોરે આવજો. બપોરે પણ કામગીરી થતી નથી.
ભુલ કોની? લોકોની કે તંત્રની
આધારકાર્ડ કે પાનકાર્ડ લોકો ઘરમાં છપાવતા નથી. તેને તૈયાર કરનાર સરકારી એજન્સી અથવા સરકારી સેન્ટર કે સરકારી કચેરી જ છે. તેમાં જે કાંઈ પણ ભુલ હોય તેના કારણે અભણ લોકો અને ભણેલા લોકો પણ હેરાન પરેશાન થઇ રહ્યા છે. તેમાં સુધારા વધારા 31 માર્ચ પછી પણ થઇ શકે છે. પરંતુ 10,000 રૂપીયાનો દંડનો ભય બતાવીને લોકોને હેરાન કરવાની વૃતિ અને ધંધા સરકાર દ્વારા આદરવામાં આવ્યા છે તેની સામે પ્રજાની પરીક્ષા લેવાનું અને લીમીટ ક્રોસ થાય તે પહેલા યોગ્ય વ્યવસ્થા ગોઠવવાનું નકકી કરવું જોઈએ. સોશ્યલ મીડીયામાં પણ ભારે બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે.
પોરબંદરનું વહીવટીતંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવે
માધવપુરના મેળાની તડામાર તૈયારી કરતું તંત્ર લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરાવવાની કામગીરીમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવે તે જરૂરી બન્યું છે. વધારાના સેન્ટરો શરૂ કરવાથી માંડીને જે તે સેન્ટરો ઉપર હેરાન થતા લોકોની સમસ્યા દુર કરવા તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે.
લોકો પાસેથી 200-500 રૂપિયા લુંટતા તકસાધુઓ સામે તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં?
આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની કામગીરી માટે 100 થી 500 રૂપિયા પડાવતા તકસાધુઓ સામે કેમ ઉચ્ચઅધિકારીઓ અને નેતાઓ મૌન ધારણ કરીને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે? તેવો સવાલ પણ સ્વાભાવિક રીતે ઉભો થયો છે. 10000 રૂપીયાના દંડની અને બેંકના ખાતા નવા નહી ખોલી શકાય તેવી ચેતવણી આપીને સામાન્ય પ્રજાને લાઈનમાં અને રોડ ઉપર ઉભા કરનારી સરકાર અને તેના નેતાઓ તથા તેની સામે હરફ પણ નહિ ઉચ્ચારનાર વિપક્ષો સામે લોકઆક્રોશ વધવા પામ્યો છે..
મોદી સાહેબ, તમે ક્ષેમકુશળ હશો અમે નથી!
પોરબંદરમાં સોશ્યલ મીડીયામાં પણ ભાજપ સરકાર અને મોદી સરકાર વિરૂધ્ધ રોષપૂર્ણ ટીકા-ટીપ્પણી થઇ રહી છે જેમાં મોદી સાહેબ, તમે ક્ષેમકુશળ હશો અમે નથી! કારણ કે તમે વર્ષે બે વર્ષે વગર કારણે લોકોને લાઈનમાં ઉભા રાખી લૂંટવાનો માર્ગ અપનાવી રહ્યા છો. તમે આપેલા વચન ભુલી ગયા અને પેટ્રોલ, ગેસ, ડીઝલ મોંઘા કર્યા અને હવે પાનકાર્ડમાં પણ લોકોને લીંક કરાવવામાં હેરાન કરી રહ્યા છે. તેમ જણાવીને ભારે આક્રોશ સાથે ટીકા-ટીપ્પણીઓ થઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ