પોરબંદરની મટનમાર્કેટના 46 ધંધાર્થીઓએ પંદર-પંદર હજારનો ભર્યો દંડ

મટનમાર્કેટમાં ફૂડ લાયસન્સ નહીં હોવાને લીધે ચાર મહિના પહેલાં મારી દેવાયું છે સીલ: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમીશ્નરની કચેરી દ્વારા અગાઉ ચેકીંગ થયું હતું ત્યારે પાઠવાઇ હતી નોટીસ: જામનગરની મટનમાર્કેટને મંજૂરી અપાઇ તે રીતે પોરબંદર-રાણાવાવને પણ મંજૂરી આપવા કરી માંગ

પોરબંદર તાં 25
પોરબંદરની મટનમાર્કેટના તમામ 46 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અપાયા નહીં હોવાથી ચાર મહિના પહેલાથી જ તેમને સીલ મારી દેવામાં આવ્યું છે અને જે તે સમયે માર્કેટ ચાલુ હતી ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમીશ્નરની કચેરી દ્વારા અગાઉ ચેકીંગ થયું હતું ત્યારે નોટીસ પાઠવાઇ હતી અને હવે તેઓને 30 દિવસમાં પંદર-પંદર હજારનો દંડ ભરવાની સુચના અપાતા આ ધંધાર્થીઓ પૈકી ઘણાં એ ઉછીના પૈસા લઇને દંડ ભર્યા હતા.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદર નગરપાલિકા સંચાલિત મટનમાર્કેટના ધંધાર્થીઓ પાસે ફૂડનું લાયસન્સ નહીં હોવાથી સીલ મારી દેવામાં આવ્યું છે અને ચાર મહિનાથી તે બંધ છે દરમિયાનમાં જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર એસ.જે. કટારીયા એ તા. 20-12-22ના પત્રથી મટનમાર્કેટના ધંધાર્થીઓ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006ની કલમ-31(2) તેમજ એકટ 2011ના ચેપ્ટર નં.2ના નિયમ 2.1 અનુસાર સંબંધિત લોકલ ઓથોરીટીનું એન.ઓ.સી. ધરાવતા નથી અને સ્વચ્છતા તથા હાઇજીન ધરાવતા ન હોવાથી રેગ્યુલેશનનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાથી આ અંગેનીફરિયાદ કચેરી સમક્ષ રજૂ કરી હતી. ફરિયાદ રજીસ્ટરે લઇ પક્ષકારોને રૂબરૂ સાંભળવા તા. 17-3-23ના રોજ ફરીયાદી તથા મટન માર્કેટના ધંધાર્થીઓને હાજર રાખવામાં આવ્યા હતા જેમાં તેઓએ નિયમભંગ કર્યા ઉપરાંત મીટનું સ્લોટરીંગ કરી સ્થળ પર જ જીવિત ઘેટા, બકરા, તથા મુરઘીનું સ્લોટર કરી ગ્રાહકની જરૂર મુજબ કટિંગ કરી વેચાણ કરે છે સ્લોટર હાઉસમાંથી સ્ટેમ્પ્ડ મીટ લાવી વેચાણ કરતા નથી અને જાતે કતલ કરે છે જેથી ધંધાર્થીઓ કલમ 56 તેમજ 58 મુજબ દંડનીય અને શિક્ષાને પાત્ર બને છે. આથી તમામ 30 ધંધાર્થીઓને 15 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે અને હુકમની તારીખથી 30 દિવસની અંદર દંડની રકમ ભરવાની રહેશે અને હુકમથી નારાજ હોય તે 30 દિવસમાં ગાંધીનગર ફૂડ સેફટી એપલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરવા જણાવ્યું હતું. જેમને પંદર-પંદર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે તેવા ધંધાર્થીઓએ જણાવ્યું છે કે પાલિકા દ્વારા સંચાલિત મટન માર્કેટમાં તેઓ વ્યવસાય કરતા હતા તેમાં પણ ચાર માસ પહેલા ફૂડ લાયસન્સ ન હોવાથી પાલિકાએ સીલ મારી દીધું હતું અને ફૂડ લાયસન્સ માટે તેઓએઅરજી કરી હોવા છતાં તેનું કોઇ નિરાકરણ થયું નથી ત્યાં 15-15 હજારનો દંડ ફટકાર્યો છે જે ગેરવ્યાજબી છે અને તેથી દંડમાં માફી આપવી જોઇએ અને તાત્કાલિક મટનમાર્કેટમાં ધંધો કરવા માટે છૂટ આપવી જોઇએ તેવી રજૂઆત કરી હતી પરંતુ તંત્ર ટસનું મસ થયું ન હતું તેથી અંતે તમામ 46 ધંધાર્થીઓએ 15-15 હજારનો દંડ ભરી આપ્યો છે અને માંગ કરી હતી કે માર્કેટનું સીલ હવે ખોલી દેવું જોઇએ.

રિલેટેડ ન્યૂઝ