વાગુદડ આશ્રમમાં એસ.ઓ.જી. ત્રાટકી; શંકાસ્પદ બે છોડ મળતા પૃથુકરણ માટે એફએસએલમાં મોકલાયા

આશ્રમમાંથી મળેલા મહંતના આધાર કાર્ડ અને પાન કાર્ડ જપ્ત આશ્રમ સરકારી જગ્યામાં ખડકાયો હોવાનો ગ્રામજનોનોે દાવો

રાજકોટનાં કાલાવડ રોડ પર બે દિવસ પૂર્વે સોમવારે રાત્રે ધમાલ મચાવનાર વાગુદડ સ્થિત આશ્રમના ધમાલીયા મહંત સામે ગુનો નોંધાયા બાદ તેના શિષ્ય અને મહંતની પોલીસે ધરપકડ કર્યા બાદ વિવાદમાં આવેલા શ્રીનાથજીની મઢી નામનો આશ્રમ ધરાવતાં આ ધમાલીયા મહંતના આશ્રમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડતાં ગાંજાના બે છોડ મળી આવ્યા હતાં. આ મામલે એસઓજીએ એફએસએલમાં ગાંજાના છોડ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીની ટીમ આશ્રમે પહોંચી તે પૂર્વે જ મહંત તેમના શિષ્યો સાથે અંતરધ્યાન થઈ ગયા હતાં જેને ઝડપી લેવા ગ્રામ્ય પોલીસની ટીમ તપાસ કરી રહી છે.બે દિવસ પૂર્વે વિવાદમાં આવેલા વાગુદડ પાસે અખીલ ભારતવર્ષિય અવધૂત આશ્રમ શ્રીનાથજીની મઢી ધરાવતા મહંત યોગી ધર્મનાથજી અને તેના બે શિષ્યોએ કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રીજ પાસે ધમાલ મચાવી જીએસટી અધિકારીની કારના કાચ તોડી નાખ્યા હતાં અને રસ્તા ઉપર આતંક મચાવી રાજકોટના કાલાવડ રોડને જાણે બાનમાં લીધો હોય તેમ મહંત અને તેના શિષ્યોએ આતંક મચાવ્યો હતો આ મામલે ગુનો નોંધાયા બાદ એ-ડીવીઝન પોલીસે મહંત અને તેના બે શિષ્યોની ધરપકડ કરી હતી જેમાં યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશકુમાર નવિનચંદ્ર ધામેલીયા, ચિરાગ પ્રવિણ કાલરીયા, પ્રવિણ વાઘજી મેર અને અભિષેક દિનેશ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. વાગુદડ નજીક આશ્રમ ધરાવતાં આ મહંતની ભેદી પ્રવૃત્તિ બાબતે પોલીસને માહિતી મળી હતી. જેના આધારે આજે ગ્રામ્ય એસઓજીએ મહંતના વાગુદડ સ્થિત આશ્રમે દરોડો પાડતાં ત્યાંથી ગાંજાના બે છોડવા મળી આવ્યા હતાં. જેને એફએસએલમાં મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે એસઓજીએ દરોડો પાડયો તે પૂર્વે જ મહંત અને તેના શિષ્યો અંતરધ્યાન થઈ ગયા હતાં.વાગુદડના ગ્રામજનો અને સરપંચે આક્ષેપ સાથે જણાવ્યું કે આ મહંત મુળ વિરપુરનો વતની છે અને અગાઉ તે કોન્ટ્રાકટર હતો અને મેટોડામાં નાના મોટા બાંધકામ કરતો હોય તે પછી દાણા જોવાનું શરૂ કર્યું તેમજ દેશી દવાઓ બનાવીને વેચતો હતો. સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર મહંત ધર્મનાથ રાજકીય અગ્રણીઓ સાથે પણ સંબંધ ધરાવતો હોય અને તેણે ખુબ ટૂંકા ગાળામાં પ્રગતિ કરી અને વાગુદડ પાસે આશ્રમ ખોલી લીધો હતો અને જ્યાં તેની પત્ની અને પુત્ર પણ આશ્રમે રહેતાં હોય સંસારિક જીવન જવતા મહંતની વૈભવી લાઈફ સ્ટાઈલથી જીવન જીવે છે. અગાઉ તેણે મેટોડા પોલીસ ચોકીમાં પણ ધમાલ મચાવી હતી. ગાંજાના છોડનું ખુલ્લેઆમ વાવેતર કરનાર મહંત સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

રિલેટેડ ન્યૂઝ