પોરબંદર તા.27
નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પોરબંદરની યુવતીએ તમામ જીલ્લાના સ્પર્ધકોને મ્હાત આપીને પ્રથમ ક્રમ મેળવ્યો છે અને હવે તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં પોરબંદર તાલુકા અને પોરબંદર જીલ્લામાં પોરબંદરના જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર અને પબ્લીક સ્પીકર રિદ્ધિબેન માખેચાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ રાજ્યકક્ષાની સ્પર્ધા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં યોજવામાં આવી હતી. જેમાં પોરબંદર જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ બાબત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા “સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્ર્વાસ સુત્રને સાર્થક થાય તેવું વક્તવ્ય આપ્યું હતું. તેમણે રાષ્ટ્રના વિકાસ માટે યુવાશક્તિને પ્રતિનિધિત્વ આપવામાં આવે તથા મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિને વેગવંતી બનાવવામાં આવે તેની સાથોસાથ ભ્રષ્ટાચાર નાબુદી માટે શું શું કરી શકાય ? તે વિષે પોતાના મૌલિક વિચારો આગવી છટા સાથે વ્યક્ત કરીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. ગુજરાતના તમામ જીલ્લાના સ્પર્ધકોને મ્હાત આપીને રિદ્ધિબેન માખેચાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જીલ્લાકક્ષાએ તેમને પાંચ હજાર રૂપીયાનો રોકડ પુરસ્કાર અને રાજ્યકક્ષાએ તેમને 25 હજાર રૂપીયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને હવે તેઓ જાન્યુઆરી મહિનામાં નવી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ તેઓએ યુવા મહોત્સવ સહિત અનેક સ્પર્ધાઓમાં વક્તૃત્વ સ્પર્ધાઓમાં, ડીબેટ સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે રિદ્ધિબેનની આ સિદ્ધિને પોરબંદરવાસીઓએ બિરદાવી છે તથા રાષ્ટ્રીય કક્ષાએ પણ તેઓ પોરબંદર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી છે.
