પોરબંદર તા.1
પોરબંદરના યુવાનોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી અને જાતે 25 હજાર રૂપીયા એકત્ર કરી ફૂટપાથ ઉપર ઠુંઠવાતા ગરીબોને ધાબળા-સ્વેટર આપવાનું સેવાકાર્ય યોજ્યું હતું.
પોરબંદરમાં હાલમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે ત્યારે મોટાભાગના લોકો જાકીટ-સ્વેટર સહિત ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે પરંતુ ઘણાં લોકો ફૂટપાથ પર ગરમ વસ્ત્રોના અભાવે ઠંડીમાં ઠુંઠવાતા જોવા મળે છે ત્યારે દિપકભાઈ પાઠક, વિવેકભાઈ જોષી અને કિશોર મેઘનાથી વગેરે યુવાનોએ સાથે મળીને આવા જરૂરીયાતમંદ લોકો માટે એક કેમ્પેઈન ચલાવવાનું આયોજન કર્યું. જેમાં કાતિલ ઠંડીમાં ઠુંઠવાતા લોકોને ધાબળા અને નાના બાળકોને વિનામૂલ્યે સ્વેટર વિતરણ કરવા માટે વોટ્સએપમાં મદદની અપીલ કરી હતી. સોશ્યલ મીડીયામાં આ મેસેજ વાંચીને દાનની સરવાણી વહી હતી અને થોડી જ વારમાં 25 હજાર જેટલી રકમ એકત્રીત થઈ ગઈ હતી. આ સેવાકાર્યમાં ગુજરાતના નામી બ્લોગર મિત્રો, અસંખ્ય શિક્ષક મિત્રોએ દિલથી દાન કર્યું હતું.
આથી આ યુવાનોએ એ રકમમાંથી 100 જેટલા ધાબળા અને 40 જેટલા સ્વેટર લઈને શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં પહોંચી ગયા હતા અને જરૂરીયાતમંદોને શોધીને તેમને આ ગરમ વસ્ત્રોનું વિતરણ કર્યું હતું. આ સેવકાર્યમાં યુવાનોને રણજીતભાઈ કારાવદરા, બી.આર.સી. પરેશભાઈ અને જીલ્લા પ્રા. શિક્ષણ સંઘના પ્રમુખ હિરેનભાઈનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. આમ, ગાંધીભૂમિના યુવાનોએ આ નવતર સેવાકાર્ય કરી જરૂરીયાતમંદ લોકોને ગરમ વસ્ત્રોનું વિતરણ કરી ઠંડીમાં હુંફ પૂરી પાડી હતી અને અન્ય લોકોને પણ આવા ઉત્તમ કાર્યો કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.
