બરડા ડુંગરમાંથી સક્કરબાગમાં સિંહ-સિંહણોની હેરાફેરી

પોરબંદર તા.1
સિંહોની પ્રજાતિને બચાવવા અને ગુજરાતમાં જ અન્ય સ્થળે સિંહોના રહેઠાણ માટે રાજ્ય વનવિભાગનું આયોજન હોવાથી જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા જેમાં સાત વિરડા નેસ ખાતેથી એક સિંહ-સિંહણને સક્કરબાગમાં પુન: મોકલી દેવાયા છે તો ત્યાંથી નવી બે સિંહણ અને એક સિંહને લાવવામાં આવ્યો છે.
સિંહ-સિંહણની હેરાફેરી
પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં આવેલા સાત વિરડા લાયન જીનપુલ ખાતે ઘણા વર્ષોથી સક્કરબાગમાંથી લવાયેલા સિંહ-સિંહણો નો ઉછેર કરવામાં આવે છે તેમાં સિંહણોના બચ્ચાઓ મૃત્યુ પામે છે ત્યારે જેને બચ્ચાઓ સાચવવાની કોઇ ગતાગમ નથી અને અત્યાર સુધીમાં બચ્ચાઓને ફીડીંગ નહીં કરાવાતા અનેક સિંહબાળ મૃત્યુ પામ્યા હતા તેવી આ બચ્ચાઓની માતા સરિતા ને બરડા ડુંગરમાંથી સક્કરબાગ ઝુ ખાતે લઇ જવામાં આવી છે તે ઉપરાંત ઘણા સમયથી રહેતો નાગરાજ નામનો વૃધ્ધાવસ્થા તરફ આગળ વધતો સિંહ પણ સક્કરબાગ ઝુ ખાતે બરડામાંથી મોકલી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત સક્કરબાગ ઝુ ખાતેથી અઢી વર્ષ અને છ વર્ષની બે સિંહણોને બરડા ડુંગરમાં સાત વિરડા લાયન જીનપુલ ખાતે લાવવામાં આવી છે તે ઉપરાંત ચાર વર્ષના એક સિંહને પણ ગીરમાંથી લાવવામાં આવ્યો છે. કુલ બે સિંહ-સિંહણને લઇ જવાયા છે અને ત્રણને લાવવામાં આવ્યા છે તેથી હવે અહીંયા બે સિંહણ અને બે સિંહ એમ મળી કુલ ચાર પ્રાણીઓ છે.
ચાર મહીના પહેલા જ સરીતાએ આપ્યો હતો ચાર બચ્ચાને જન્મ
પોરબંદરના બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ અંતર્ગત રાખવામાં આવેલ સિંહણ સરિતાએ ચાર મહીના પહેલા ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. આ સરિતાએ બચ્ચાઓને જન્મ આપ્યા બાદ 12 કલાકથી પણ વધુ સમય સુધી ફીડીંગ કરાવેલ ન હતું. 4 સિંહબાળ પૈકી બે સિંહબાળ વધારે અશક્ત જણાયેલ હતા. પોરબંદર વનવિભાગના તથા સક્કરબાગ ઝુ ના વેટરનરી ઓફિસરો દ્વારા તેમની શારીરિક તપાસ કરવામાં આવેલ હતી તથા પાવડરનું દૂધ પીવડાવવામાં આવેલ હતું. પરંતુ તા. 22/8 ના રોજ એક નર તથા એક માદા બચ્ચાનું મૃત્યુ થયેલ હતું જ્યારે અન્ય બે સિંહબાળોને યોગ્ય રીતે સારવાર તથા સંભાળ મળી રહે તે માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી આપવામાં આવેલ હતા.
લાયન જીનપુલ સેન્ટરમાં અનેક સુવિધાઓ છતાં દુવિધા
એશીયાઇ સિંહોના જીવનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના ઉદેશથી બરડા અભ્યારણ્યમાં સિંહ જીનપુલ સેન્ટર સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવેલ. અને આ અંગે રાણાવાવ રેન્જની સાતવિરડા રાઉન્ડમાં ભુખબરા નેશ મુકામે લાયન એન્કલોઝર તથા લાયન એનીમલ હાઉસ વિગેરે બનાવવામાં આવેલ છે. આ લાયન જીનપુલ સેન્ટર માટે લાયન એનીમલ હાઉસ યુનિટ-1 તથા યુનિટ-ર બનાવવામાં આવેલ છે. જે દરેક યુનિટમાં એનીમલ હાઉસ, ક્રોલ, સર્વિસ શેડ, તથા લોફીંગ ગ્રાઉન્ડ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવેલ છે. અને આ એન્કલોઝરમાં સિંહોને અનુકુળ આવે તેવી તમામ બાબતોની તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં અવોલ અને આ વિસ્તાર સિંહો માટે અનુકુળતા હોવાનું જણાયેલ છે અને તેથી તેના વસવાટમાં સફળતા મળી છે પરંતુ તેમ છતાં અહીંયા અનેક દુવિધાઓ જોવા મળે છે. કેમ કે સિંહને એન્ક્લોઝરમાં જ બંધ કરીને રાખવામાં આવે છે અને વાઈલ્ડ લાઈફ સિંહો આવા વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોતા નથી તેથી સ્વાભાવિક રીતે જ તેઓનો ઉછેર થઈ શકતો નથી.

રિલેટેડ ન્યૂઝ