પોરબંદર તા.1
પોરબંદર પંથકના ખંત, ખુમારી અને ખાનદાની ધરાવતા મહેર સમાજની દુનિયામાં 3 લાખ કરતા ઓછી વસ્તી છે તેમ છતાં તેનું નેતૃત્વ સામાજીક, રાજકીય, આર્થિક ક્ષેત્રે અવ્વલ માનવામાં આવે છે ત્યારે તેવું જ નેતૃત્વ મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં પણ આવે તો જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થયો ગણાય તેવો સૂર મહેર સમાજના શિરોમણી માલદેવબાપુની પૂણ્યતિથિ શિક્ષણ દિવસ ની ઉજવણી અનુસંધાને યોજાયેલા શ્રધ્ધાંજલી સમારોહમાં જ્ઞાતિ આગેવાનો દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો.
પોરબંદરમાં મહેર શિરોમણી માલદેવ રાણા કેશવાલા (માલદેવ બાપુ) ની 54મી પુણ્યતિથિ નિમીતે શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી માલદેવ રાણા મહેર સમાજ ઝુંડાળા દ્વારા ઝુંડાળાની મહેર બોર્ડીંગ (શ્રી માલદેવ રાણા મહેર જ્ઞાતિભવન) ખાતે યોજવામાં આવેલા શ્રદ્ધાંજલી સમારોહમાં વક્તાઓએ ઉપરોક્ત મુજબનો સૂર વ્યક્ત કર્યો હતો. માલદેવબાપુએ પોતાનું આખું જીવન મહેર સમાજના ઉત્કર્ષ, શિક્ષણ અને સંગઠન પાછળ સમર્પિત કર્યું હતું. તેથી તેમના નિધનના ચોપન વર્ષ પછી પણ સમાજ તેમની પુણ્યતિથીને શિક્ષણ દિવસ તરીકે ઉજવે છે અને પોરબંદર જ નહીં, પરંતુ ગામે ગામ જયાં કયાંય પણ મહેરસમાજ ના લોકો વસે છે ત્યાં તેની ઉજવણી કરે છે ત્યારે પોરબંદરમાં યોજવામાં આવેલા સમારોહમાં ઉપસ્થિત જ્ઞાતિજનો સહિત આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા માલદેવબાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ડો. વિરમભાઇ ગોઢાણીયાનું ઉદ્બોધન
મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે, માલદેવબાપુએ ખૂબ જ ઓછી સુવિધાઓ વચ્ચે પણ સમાજને શિક્ષિત અને દિક્ષિત કરવા માટે જે સેવાકાર્ય હાથ ધર્યું હતું તેના મીઠા ફળ આપણે સૌ ચાખી રહ્યા છીએ ત્યારે હજુ સમાજમાં ઘણું બધું ખૂટે છે. શિક્ષણની જ્યોત પ્રજ્જવલીત થઈ છે તેની સાથોસાથ હજુ વધુ સંગઠનની ભાવના જરૂરી છે. માલદેવબાપુના નિર્ધારીત કરેલા કાર્યો મહેરસમાજના અનેક આગેવાનો આગળ ધપાવીને પૂર્ણ કરી રહ્યા છે. ખાસ કરીને શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે ભાવાંજલી કાર્યક્રમનું આયોજન થાય છે.તેમાંથી આપણને સૌને માલદેવબાપુના જીવનચરીત્ર વિશેનો ખ્યાલ આવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, માલદેવબાપુના યોગદાન પૂર્વેની મહેર સમાજની પરિસ્થિતિ તેમની ઉપસ્થિતીમાં પરિસ્થિતિ અને ત્યારબાદની પરિસ્થિતિની ચર્ચા કરીએ તો અંધકારના યુગમાં સમાજ અસંગઠીત હતો, સંસ્કૃતિ, સંસ્કાર, વિવેક ની ગેરહાજરી હતી પરંતુ માલદેવબાપુએ સંઘર્ષ કરીને સૌને એકસૂત્રતાના તાંતણે બાંધીને શિક્ષણની જયોત પ્રગટાવી હતી. તેઓની ચિંતા, ચિંતન અને વેદના આપણે અનુભવી શકીએ છીએ. આફ્રીકા જઇને ત્યાંથી ફાળો એકત્ર કરીને વતનમાં શિક્ષણ માટેની આહલેક જગાડનારા માલદેવબાપુ એ ચિંધેલા રસ્તે આગળ વધું તે જરૂરી બની જાય છે. સામાજીક, શૈક્ષણિક પરિવર્તન આવ્યું છે, આર્થિક સમૃદ્ધિ વધી છે પરંતુ હજુ ઘણુ બધુ ખુટે છે.
બાબુભાઇ બોખીરીયાનું ઉદબોધન
ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ આ કાર્યક્રમમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ તેની સાથોસાથ સમાજમાં રહેલી ક્ષતિઓ વિશે પણ જાણવું જરૂરી છે. ઇર્ષા, અભિમાન અને સમાજમાં આવતું રાજકારણ વગેરેને કારણે વિકાસ અટકે છે. સ્વામીનારાયણ ભગવાને જે રીતે શિક્ષાપત્રી બનાવી હતી તે રીતે આપણે પણ સમાજ માટે શિક્ષાપત્રી બનાવીને શું કરવું? અને શું ન કરવું? તેની સમજ સમાજના લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. આપણી જ્ઞાતિ નેતૃત્વ માટે હરહંમેશ તૈયાર રહે છે. નવું કરવાની તાકાત પણ ધરાવે છે પરંતુ તેની સાથોસાથ જ્ઞાતિમાં એકતા જરૂરી છે, વિવેકની પણ ખામી છે તેથી તે પણ અનિવાર્ય છે. આર્થિક સમૃદ્ધિ આવી છે પરંતુ મનીમેનેજમેન્ટ નહીં હોવાને કારણે રૂપિયા વેડફાઇ જાય છે તેથી જે કોઇ સમાજમાંથી સારી સારી બાબતો છે તેને ગ્રહણ કરીને આપણે સમાજને વધુ ગતિ-પ્રગતિ તરફ લઇ જવો જોઇએ. ગામડે ગામડે લોકજાગૃતિ માટે યુવાનોએ જવાબદારી લેવી જોઇએ.
ભરતભાઈ ઓડેદરા
શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરાએ તેમના ઉદ્બોધનમાં ટ્રસ્ટ દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમમાંથી કેટલો ખર્ચ થયો, કેટલી લોન વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અપાઈ તે સહિતની માહિતી વિસ્તૃત રીતે રજુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહેરસમાજના હિતચિંતક અને જ્ઞાતિરત્ન એવા મહેરસમાજ શિરોમણી પૂ. માલદેવ રાણા કેશવાલા (પૂ. માલદેવ બાપુ) મહેરસમાજ માટે કાયમી આદરણીય વિભુતી રહ્યા છે. તેમણે આજીવન મહેરસમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચશિક્ષિત અને સાક્ષરોની ભેટ આપી છે અને તેમના દ્વારા ચિંધેલા રસ્તે આપણે આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યને વધુ ઉજવળ બનાવશું તેવી અમારી સૌની નેમ છે. ગત વર્ષે ર3 જેટલા છાત્રોને 4 લાખ 3પ હજાર રૂપિયા જેટલી લોન આપવામાં આવી છે અને તેનાથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. માલદેવબાપુએ વિદેશમાંથી ફાળો એકત્ર કરીને સમાજમાં શિક્ષણના વ્યાપને વધારવા પ્રયત્નો કર્યા છે તેની સાથોસાથ હવે આપણે ગામડાઓમાં શિક્ષણની સુવિદ્યા વધારવા તરફ આગેકુચ કરવી જરૂરી છે. તેમણે 1948 ની સાલનો અહેવાલ પણ વાંચી સંભળાવ્યો હતો અને જ્ઞાતિમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવનારા માલદેવબાપુ અને રાણાભાઇ આલાભાઇ બોખીરીયાને પણ યાદ કર્યા હતા. 88 વર્ષ પહેલા માત્ર 7 વિદ્યાર્થીઓની સંખ્યા અને 1રપ રૂપિયાની શીલક સાથે શરૂ થયેલ મહેર બોર્ડીંગે અનેક તેજસ્વી તારલાઓની સમાજને ભેટ આપી છે તેમ પણ ઉમેર્યુ હતું. હવે જુનાગઢ, રાણાવાવ, જામનગર, રાજકોટ સહિત અલગ-અલગ જગ્યાએ મહેર આગેવાનો સ્થાનિક કક્ષાએ જવાબદારી સંભાળીને શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે ત્યારે શિક્ષણની જયોતને વધુ સારી રીતે સમાજમાં પ્રજવલ્લિત કરી શકશું.
સ્વામી ભાનુપ્રકાશદાસજી
છાંયા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સમાજને એવી જ વ્યક્તિઓ યાદ રહી જાય છે કે જે પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે કરી છૂટે છે. મહેરસમાજના ઋષિપુરૂષ એવા માલદેવ બાપુએ અત્યારે નહીં પરંતુ ટાંચા સાધનો અને સુવિધાઓના અભાવ વચ્ચે દાયકાઓ પહેલા શિક્ષણ અંગે ચિંતા સેવી અને સૌને શિક્ષીત બનાવવા માટે પ્રયત્નો કર્યા એ યોગદાન કોઈ ભૂલી શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધ ભારતમાં જન્મ્યા પરંતુ આપણે અબુદ્ધ રહ્યા છીએ. શિક્ષણની મહત્વતાને સમજવામાં નિષ્ફળ રહ્યા છીએ. છેલ્લા ત્રણેક દાયકામાં મહેર સમાજમાં પરિવર્તનનો વાયરો ફુંકાયો છે અને આ પ્રગતિને પૂર્ણવિરામ નહીં પરંતુ અલ્પવિરામ મુકીને વધુ આગળ ધપાવશું તો જ માલદેવબાપુને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી પાઠવી ગણાશે. ઉઘાડે પગે ઘેડ પંથકમાં ફરી ફરીને શિક્ષણની જયોત પ્રગટાવનારા માલદેવબાપુએ પોતાના વ્યકિતત્વને ઘડવાની સાથોસાથ સમાજને પણ અનેરો ઘાટ આપ્યો છે તેથી તેમાંથી સૌએ શીખવું જરૂરી છે. વ્યસન અંગે પણ તેમણે કેટલીક ટકોર કરી હતી અને ગુણવત્તાયુકત શિક્ષણ ઉપર ભાર મુકયો હતો.
સ્વામી પરમાત્માનંદગીરીજી
રાણાવાવ નિર્વાણધામ યોગાશ્રમના સ્વામી પરમાત્માનંદગીરીજીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, માલદેવબાપુએ પોતાનું સમગ્ર જીવન સમાજ માટે સમર્પિત કર્યું હતું તેમના સિદ્ધાંત અને આદર્શોને જીવનમાં ઉતારવા એ જ તેમને સાચી શ્રદ્ધાંજલી છે. સમાજ સુધારવાને બદલે જો માણસ સુધરવાની શરૂઆત પોતાનાથી કરે એ આજના સમયની માંગ છે. તેમણે વિવિધ ઉદાહરણો દ્વારા શબ્દાંજલી અર્પણ કરી હતી.
સામતભાઇ ઓડેદરા
મહેર અગ્રણી સામતભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ચિત્ર શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરીને મહેરસમાજમાં શિક્ષણક્ષેત્રે ગહન ચિંતા સેવનારા માલદેવબાપુએ બતાવેલા સિદ્ધાંતો અને રસ્તા ઉપર ચાલીને સમાજ આગળ વધી રહ્યો છે. ત્રણ લાખની વસ્તી ધરાવતા મહેરસમાજે રાજકીય રીતે ગુજરાતને ઘણું બધું આપ્યું છે. પોરબંદરમાં જુદા-જુદા રોગના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો તરીકે મહેર તબીબોનું નામ છે.
પ્રાસંગીક ઉદબોધનો
આ કાર્યક્રમમાં પ્રાસંગીક ઉદબોધન કરતા ભરતભાઇ કારાવદરા, રાણાભાઇ સીડા સહિતનાઓએ તેમના પ્રાસંગીક ઉદબોધનોમાં માલદેવબાપુને યાદ કરીને જણાવ્યું હતું કે, અત્યારે તમામ પ્રકારની આધુનિક સગવડ છે પરંતુ 80 વર્ષ પહેલા એક ગામથી બીજા ગામ પગપાળા ચાલીને જવું પડતું તેવા સમયે માલદેવ બાપુએ મહેરસમાજની ચિંતા સેવીને વિદ્યાર્થીઓ માટે આશરો અને શિક્ષણની જ્યોત પ્રગટાવવાનો જે મહાયજ્ઞ આરંભ્યો હતો તે આજે વટવૃક્ષ બની ગયો છે. અને બહાદુરી તથા દાદાગીરી વચ્ચેનો ફરક સમજીને હવે સૌ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવા તરફ આગળ વધે તે અનિવાર્ય છે તેમ ઉમેર્યુ હતું.
આગેવાનોની ઉપસ્થિતિ
પોરબંદરના ઝુંડાળાના મહેર સમાજમાં યોજાયેલ આ સમારોહમાં મહેરસમાજના અનેક આગેવાનો જેવા કે, તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ વિરમભાઇ કારાવદરા, સીનીયર પત્રકાર નાથાભાઇ ઓડેદરા, જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા, રણજીતભાઇ લખુભાઇ કેશવાલા, ભીમભાઇ સુંડાવદરા, શાંતાબેન ભરતભાઇ ઓડેદરા, મંજુલાબેન બાપોદરા, ભીમભાઇ ઓડેદરા, સાજણભાઇ ઓડેદરા, સામતભાઇ સુંડાવદરા, નવઘણભાઇ ઓડેદરા, ખીમાભાઇ રાણાવાયા, જેઠાભાઇ ઓડેદરા, નાથાભાઇ ઓડેદરા, ખીમાભાઇ રાણાવાયા, ખીમાભાઇ ભુતિયા, રેખાબેન આગઠ, અનીલજી ઓડેદરા, ભીમભાઇ ઓડેદરા સહિત મોટી સંખ્યામાં મહેર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન રાણાભાઇ સીડાએ તથા આભારવિધી ભરતભાઇ ઓડેદરાએ કરી હતી.
જ્ઞાતિભવનો બાંધો તેની સાથોસાથ શૈક્ષણિક ભવનો પણ બાંધો
મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયાએ મહેર સમાજના લોકોને ખાસ ટકોર કરતા જણાવ્યું હતું કે, જ્ઞાતિભવનો ગામડે ગામડે બંધાઇ રહ્યા છે તેની સામે અમારો વિરોધ નથી પરંતુ તેની સાથોસાથ શૈક્ષણિક ભવનો બાંધવા એ આજના સમયની તાતી જરૂરીયાત છે. ગામડામાં શિક્ષણથી જ સાચી સમૃદ્ધિ આવશે તેથી પ્રાથમિક-માધ્યમિક શાળાનું શિક્ષણ સમૃધ્ધ બને તે માટે ગામડામાં મહેરો શૈક્ષણિક ભવનો બાંધે તેવી મારી નમ્ર અપીલ છે.
રૂપિયા ઉઘરાવવા માટે શ્રધ્ધાંજલી કાર્યક્રમ નથી તેથી સૌ કોઇ આવે તેવી અપીલ
સામાન્ય રીતે ઘણા લોકોમાં એવી ગેરસમજ ફેલાઇ જતી હોય છે કે, માલદેવબાપુના શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં મહેર સમાજના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે ફંડફાળો ઉઘરાવવા માટે થઇને આયોજન થાય છે પરંતુ તે અંગે સ્પષ્ટતા કરતા ભરતભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, કોઇ તેવા ડરથી શ્રધ્ધાંજલી સમારોહમાં આવતા અચકાતું હોય તો તેમને મારી સ્પષ્ટતા એ છે કે, સારૂ એવું ભંડોળ એકત્ર થઇ ગયું છે અને સામેથી જે લોકો આપવા તૈયાર થાય છે તેમનું ભંડોળ લેવાય છે. રૂપિયા ઉઘરાવવા માટે નહીં પરંતુ પૂ. બાપુના વિચારો સમાજના સૌ લોકો સુધી પહોંચે તેવા હેતુ સાથે જ આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે. તેથી સૌને આવા કાર્યક્રમોમાં આવવા અપીલ થઇ હતી.
વ્યસનથી દુર રહેવાની ખાસ અપીલ
મહેર સમાજના લોકોમાં શહેરમાં જ નહીં પરંતુ ગામડામાં પણ અનેક પ્રકારના વ્યસનો ગંભીર હદે જોવા મળ્યા છે તે અંગેની ખાસ ચિંતા સેવીને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્યપંથકમાં નાની ઉમરે કોઇનું મૃત્યુ થાય ત્યારે અમે ખરખરે જઇએ ત્યારે ‘લીવરની બીમારીથી મોત’ તેવું જણાવાઇ છે, ગામડાઓમાં વ્યસનને કારણે આપણા સમાજની યુવાપેઢી અને લોકો બરબાદ થઇ રહ્યા છે માટે તે માટે ખાસ સૌએ જાગવું જરૂરી છે.
