પોરબંદર તા.2
પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે માલદેવ રાણા કેશવાલાની પુણ્યતિથી નિમિત્તે ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પાંચ દિવસ સુધી આ પ્રદર્શન ખૂલ્લું રહેશે.
મહેર સમાજના શિરોમણી સંત અને શિક્ષણની જ્યોત જગાડનાર સમાજ સુધારક પૂજ્ય માલદેવબાપુની 54 મી પુણ્યતિથી તથા જાણીતા કલામર્મજ્ઞ અરિસિંહ રાણા કેશવાલાની સ્મૃતિ નિમિત્તે પોરબંદરના મહેર આર્ટ પરિવાર દ્વારા ‘ચિત્રાંજલી’ ના ભાગરૂપે તાજેતરમાં પાંચ દિવસીય ચિત્રપ્રદર્શનનો શુભારંભ થયો હતો. પોરબંદરની નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પાંચ દિવસીય ચિત્ર પ્રદર્શનને મંગલદીપ પ્રગટાવીને પોરબંદરની જે.સી.આઈ. ના સ્થાપક લાખણશીભાઈ ગોરાણીયા, સમાજશ્રેષ્ઠી મનિષભાઈ બાપોદરા, બચુભાઈ આંત્રોલીયા, પોરબંદરના ઈનોવેટીવ-ધ ગૃપ ઓફ આર્ટીસ્ટના પ્રમુખ બલરાજભાઈ પાડલીયા, ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્ર્વરભાઈ ભરડા અને શૈલેષભાઈ પરમાર વગેરેએ ચિત્રપ્રદર્શનને ખૂલ્લું મુક્યું હતું.
પોરબંદરના મહેર આર્ટ પરિવારના પ્રમુખ કરશનભાઈ ઓડેદરાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે પોરબંદર જીલ્લાના 12 જેટલા મહેર સમાજના યુવક-યુવતીઓએ વોટર કલર ઓઈલ પેઈન્ટ-કેનવાસ પર પેન્સીલ અને પેસ્ટકલરનો ઉપયોગ કરીને ગ્રામ્યજીવનની સંસ્કૃતિને ઉજાગર કરતાં ચિત્ર કેનવાસ પર કંડારીને આ ચિત્રપ્રદર્શન યોજીને માલદેવબાપુને ચિત્રાંજલિ અર્પણ કરી છે.
આ પ્રસંગે ડો. ઈશ્ર્વરભાઈ ભરડાએ યુવક-યુવતીઓની કલાને બિરદાવતાં જણાવ્યું હતું કે માલદેવ બાપુએ હંમેશા સ્વ નો નહીં સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી તેઓ વ્યક્તિ નહીં સ્વયં એક વિદ્યાપીઠ છે. તેઓ સમાજસુધારક, શૈક્ષણિક ક્ષેત્રે વિચાર ક્રાંતિના પ્રણેતા એક વિદ્યાપીઠ સમાન છે. માલદેવબાપુ અને અરિસિંહ રાણા કેશવાલાની સ્મૃતિને વાગોળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
આ પ્રસંગે પોરબંદરની જે.સી.આઈ. ના સ્થાપક લાખણશીભાઈ ગોરાણીયાએ માલદેવબાપુએ સામાજીક, શૈક્ષણિક વિકાસયાત્રાની જ્યોત પ્રગટાવી અને મહેર સમાજના યુવક-યુવતીઓએ ચિત્રકલાના માધ્યમથી આપણી વચ્ચે જીવંત છે તેવો અહેસાસ કરાવ્યો છે તેવું જણાવ્યું હતું.
પોરબંદરના ઈનોવેટીવ-ધ ગૃપ ઓફ આર્ટિસ્ટના પ્રમુખ બલરાજભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે માલદેવ રાણા અને અરિસિંહ રાણા એ પોરબંદરને કલાની ભેટ આપી છે. આ કલાના વારસો આજે યુવક-યુવતીઓ ઉજાગર કરીને ચિત્રાંજલિ આપે છે. મહેર શિરોમણી પૂજ્ય માલદેવબાપુની 55 મી પુણ્યતિથી આવતા વરસે આ ઈનોવેટીવ ગૃપ દ્વારા અમદાવાદની આર્ટ ગેલેરીમાં યોજવાનું આહવાન કરતા મહેર આર્ટ પરિવારે આ વાતને વધાવી હતી. ઈનોવેટીવ ગૃપના સેક્રેટરી શૈલેષભાઈ પરમારે “મહેર સમાજની ગ્રામ્ય સંસ્કૃતિ અંગેની યુવક-યુવતીઓએ પ્રદર્શીત કરેલ કૃતિઓ સંત શિરોમણી માલદેવ બાપુનો કલાવારસો દર્શાવે છે, એ જ સાચી શ્રદ્ધાંજલી છે તેમ જણાવ્યું હતું. આ ચિત્રાંજલિ કાર્યક્રમમાં મહેર સમાજના યુવક-યુવતીઓએ પોતાની કૃતિઓ પ્રદર્શીત કરી હતી જેમાં કલાક્ષેત્રે ઉભરતી આ યુવાપેઢીમાં મુુળુ કુછડીયા, વાલીબેન મોઢવાડીયા, મનોજ વાઢેર, જયેશ જાડેજા, પૂર્વીબેન કુછડીયા, આશલ સિસોદીયા, આરતી ઓડેદરા, પૂજા ઓડેદરા, સોનલ ઓડેદરા, કરશન ઓડેદરા, સમીર ઓડેદરા અને સામતભાઈ ગરેજાનો સમાવેશ થાય છે. માલદેવબાપુ મહેર યુવાનો સાથે, વિસાવાડા 1800 ક્ધયાઓને પરણાવતા બુઢા આતા, ધંધુસરના ભીમસી થામલીયા, નેરાણાના પુતી આઈ વગેરે ચિત્રો ઉડીને આંખે વળગે તેવા છે.
પોરબંદરની હુજુર પેલેસ સામે ચોપાટી રોડ ખાતે મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટગેલેરીમાં તા. 2 થી 5 જાન્યુઆરી દરમિયાન સવારે 9 થી 12 તથા બપોરે 4 થી 8 પીંછીની પરખ કરાવતા કલાસાધકોનું આ પ્રદર્શન નિહાળી શકાશે. આ પ્રસંગે પોરબંદરના એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ માલદેભાઈ ઓડેદરા તથા માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા દાતા શિક્ષણપ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયા એ કલા સાધકોની કૃતિઓ પ્રદર્શીત કરવા બદલ અભિનંદન પાઠવીને માલદેવબાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશનભાઈ ઓડેદરાએ સંભાળ્યું હતું જ્યારે આભાર દર્શન સમીરભાઈ ઓડેદરાએ કર્યું હતું. આ ચિત્રાંજલિ કાર્યક્રમમાં સમાજશ્રેષ્ઠી રામભાઈ ઓડેદરા, મંજુબેન બાપોદરા, કેશુભાઈ કેશવાલા, કમલભાઈ ગોસ્વામી, દિેનેશભાઈ પોરીયા, ધારા જોષી, ક્રિષ્ના ટોડરમલ સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સમાજના અગ્રણીઓ શાળા-કોલેજના છાત્રો સહિત કલાપ્રેમી ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
