પોરબંદરમાં રૂ.15 લાખની ઉઘરાણી માટે ગયેલા આધેડની ઘાતકી હત્ય

પોરબંદર, તા.10
પોરબંદરમાં રૂપિયા 15 લાખની લેતીદેતી પ્રશ્ર્ને આધેડની ઘાતકી હત્યા લકડીબંદરમાં આવેલા મચ્છીના દંગાની ઓફીસમાં કરી નાંખવામાં આવતા ભારે અરેરાટી ફેલાઇ છે. બનાવની વિગત એવી છે કે, પોરબંદરના રામ ગેસ્ટ હાઉસ નજીક ગણેશ કોલોની વિસ્તારમાં રહેતા કાનજીભાઇ દામાભાઇ હોદારે વાઘેશ્ર્વરીપ્લોટમાંં રહેતા સુરેશ ઉર્ફે સુરીયો ગોટાલા ને 1પ લાખ રૂપિયા આપ્યા હતા. આ સુરેશ બાદરશાહી નો લકડીબંદર પુલ પાસે ધનરાજ નામનો મચ્છીનો દંગો આવેલો છે અને તેની ઓફીસમાં ગઇકાલે રાત્રે તેણે કાનજીભાઇ હોદારને બોલાવ્યા હતા અને ત્યારબાદ સુરેશના બનેવી ખારવાવાડ જલારામ મંદિર પાસે રહેતા કીશોર ભીખુ જુંગીએ છરી વડે આડેધડ ઘા મારીને કાનજીભાઇને ગંભીર ઇજા પહોંચાડતા તે ફસડાઇ પડયા હતા. આથી લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા ત્યાંથી પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ખાનગી હોસ્પિટલોમાં લઇ ગયા હતા પરંતુ બન્ને જગ્યાએ ડોકટર નહીં હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખારવા સમાજની એમ્બ્યુલન્સમાં લઇ જવાતા હતા પરંતુ કુતિયાણા પાસે પહોંચતા જ ઘાયલ કાનજીભાઇએ દમ તોડી દેતા કુતિયાણની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા જયાં તેમને મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કરતા લાશને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ બનાવમાં મૃતક કાનજીભાઇ હોદારના પત્ની રતનબેને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિ સીમેન તરીકે અગાઉ નોકરી કરતા હતા અને ગતસાંજે કરીયાણાનો સામાન ખરીદવા માટે પોતે પતિ સાથે જ ગયા હતા અને માણેકચોકમાં ઉતર્યા બાદ પતિએ ‘મે સુરેશ બાદરશાહીને 1પ લાખ રૂપિયા આપ્યા છે તેના બદલામાં તે મને તેના દસ્તાવેજો આપવાનો છે તેથી તેને મળવા જવાનું છે’ કહીને ગયા હતા. મહીલા ખરીદી કરીને ઘરે પરત આવી ત્યારે પોણા નવેક વાગ્યે પતિએ ફોન કર્યો હતો કે, ‘કીશોર ભીખુ જુંગીએ મને છરી મારી દીધી છે અને હું જીવીશ નહીં જલ્દી તમે સરકારી હોસ્પિટલે આવીજાવ’ આથી પતિએ ફોન મુકયા બાદ તુરંત પરિવારજનો હોસ્5િટલે પહોંચી ગયા હતા અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતા હતા ત્યારે દિકરી તનુશ્રી સાથે કાનજીભાઇએ વાત કરી હતી જેમાં એવું જણાવ્યું હતું કે, ‘સુરેશ ઉર્ફે સુરીયો ગોટાલ તેની ઓફીસમાં હતો અને પોતે પણ ઓફીસમાં હતા ત્યારે સુરેશને કોઇનો ફોન આવતા તે વાત કરવા ઓફીસની બહાર ગયો હતો અને આવ્યા પછી થોડીવારમાં સુરેશનો બનેવી કીશોર જુંગી આવ્યો હતો અને તેણે થેલીમાંથી છરી કાઢીને આડેધડ ઘા માર્યા હતા’ તેવું કહીને કાનજીભાઇ બેહોશ થઇ ગયા હતા. પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને આ બન્ને શખ્સો ઉપરાંત અન્ય કોઇ શખ્સો સંડોવાયા છે કે કેમ? તેની આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ