પોરબંદર તા.11
પોરબંદરમાં રઘુવંશી એકતા સંસ્થાના મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહત્વની ચર્ચાઓ થઈ હતી.
આગામી સમયમાં રઘુવંશી એકતા સંસ્થા દ્વારા યોજાનાર કાર્યક્રમોની માહિતી આપતા સંસ્થા દ્વારા જણાવ્યું હતું કે રઘુવંશી સમાજને વધુ મદદરૂપ બનવા માટે વિવિધ સેવાઓ થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ સેવાઓ રઘુવંશી એકતાની ઓફિસ હાથી ટાંકી રોડ ખાતે શરૂ થશે. આગામી તા. 22 જાન્યુઆરીના રોજ વીરદાદા જશરાજના શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે તેમજ આગામી રામનવમી પર્વે રઘુવંશી લોહાણા જ્ઞાતિના પ્રસાદનું પણ ભવ્ય અને દિવ્ય આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
પોરબંદરના લોહાણા યુવાનોની સંસ્થા રઘુવંશી એકતા-પોરબંદર દ્વારા વર્ષ 2019 ની શ્રી રામનવમીના રોજ યોજાયેલ રઘુવંશી લોહાણા મહાપ્રસાદના દાતાઓ અને સમાજશ્રેષ્ઠીઓ તેમજ સહકાર આપ્યો તે બદલ તમામ રઘુવંશીઓ માટે આ ‘રઘુવંશી એકતા મિલન સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગીત-સંગીતનો કાર્યક્રમ કરાઓકે ડીવાઈન ગૃપના બિપીનભાઈ પંડ્યા તથા નેન્સીબેન બાપોદરાએ સુમધુમ ગીત દ્વારા સૌને ડોલાવ્યા હતા.
સંસ્થા દ્વારા યોજાયેલા સેવાકાર્યોની ઝલક
ત્યારબાદ રઘુવંશી એકતા દ્વારા અત્યારસુધીમાં કરવામાં આવેલ સમાજ માટેના સેવાકાર્યો જેવા કે સરકારી માં અમૃતમ કાર્ડ જે પાંચ લાખનો સરકારી હેલ્થ ઈન્સ્યોરન્સ, સરકારી બિન અનામત સર્ટિફીકેટ, જલારામ બાપાની 220 ફૂટની રંગોળી, ધોરણ 10, 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર, શૌર્યગાથા જેવા વિવિધ સમાજલક્ષી સેવા અને પ્રગતિને લગતા કરેલા કાર્યક્રમોની માહિતી પ્રોજેક્ટ દ્વારા સૌને બતાવવામાં આવી હતી. અત્યારસુધીમાં હજારો રઘુવંશીઓને રઘુવંશી એકતા મદદરૂપ બનેલ છે તેની વિસ્તૃત માહિતી પણ સાથે આપવામાં આવી હતી. તેમજ ગત વર્ષે રામનવમીના રોજ યોજાયેલ ઐતિહાસિક રઘુવંશી એકતા બાઈક રેલી તેમજ રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદની એક ઝલક પણ પ્રોજેક્ટ દ્વારા સૌને બતાવવામાં આવી હતી.
આગેવાનોનું પુષ્પોથી નહીં, શબ્દોથી સ્વાગત
પર્યાવરણને નુકસાન નહીં કરવાની ઉદાત ભાવના સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રઘુવંશી મહાનુભાવોનું સ્વાગત પુષ્પોથી નહીં, પરંતુ શબ્દોથી કરવામાં આવ્યું હતું. રઘુવંશી એકતાના પ્રેરક હિતેશ કારીયા દ્વારા કરવામાં આવેલા સ્વાગત પ્રવચનને સૌ મહાનુભાવોએ વધાવેલ હતું. આ રઘુવંશી એકતા મિલન સમારોહમાં મનુભાઈ મોદી, મનોજભાઈ ઠકરાર, એડવોકેટ ભરતભાઈ લાખાણી, ભરતભાઈ માખેચા, મણીભાઈ કોટેચા, હસુભાઈ બુદ્ધદેવ, રાયચુરા, મોહનભાઈ લાખાણી, અનિલભાઈ કારીયા, દિલીપભાઈ ગાજરા, ભરતભાઈ રાજાણી, નાથુભાઈ ઠકરાર, દિલીપભાઈ ધામેચા, નિર્મળાબેન કારીયા, કમળાબેન કોટેચા, જશ્મીનાબેન મોદી, મુકેશભાઈ ઠક્કર, હર્ષિતભાઈ રૂઘાણી, જયેશભાઈ પત્તાણી, અશ્ર્વિનભાઈ ચોલેરા, મગનભાઈ ગોકાણી, વિપીનભાઈ કક્કડ, તાલુકા વિકાસ અધિકારી ઉનડકટ, ભાવેશભાઈ લાખાણી, ભરતભાઈ મોદી, જયેશભાઈ પોપટ, રાણાવાવથી કનુભાઈ રાયચુરા તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોના વક્તવ્યો અને સન્માન
મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સમાજના દરેક વર્ગને મદદરૂપ બની અને જરૂરી એવા કરવું એ આજના સમયની તાતી જરૂરીયાત છે. જે કાર્ય રઘુવંશી એકતાની યુવા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. અને આ કાર્યને વધુ ને વધુ સમાજના લોકો સુધી પહોંચાડીને સમાજને મદદરૂપ બનતા રહેવા માટે જ્ઞાતિના આગેવાનોની ક્યાંય પણ અને કંઈપણ રીતે મદદની જરૂર પડે ત્યારે તેઓ આ યુવાનોની સાથે જ છે તેવો વિશ્ર્વાસ પણ ઉપસ્થિત દરેક અગ્રણીએ આપ્યો હતો. સતીના મંદિર ટ્રસ્ટ વતી ભરતભાઈ માખેચા, એડવોકેટ ભરતભાઈ લાખાણી અને શીલાબેન તરફથી સમાજસેવાનું ભગીરથ કાર્ય ઉપાડનાર રઘુવંશી એકતાના પ્રેરક હિતેશ કારીયા તેમજ નિર્મળાબેન કારીયાનું ઉપરણા ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ તથા ચાંદનીબેન દ્વારા આગવી શૈલીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી એકતાની ભાઈઓ તથા બહેનોની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
