પોરબંદર તા.20
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની એમ.કોમ. ની વિદ્યાર્થીનીઓએ રાજકોટના શાપર-વેરાવળમાં ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી.
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની 70 વિદ્યાર્થીનીઓએ રાજકોટમાં શાપર-વેરાવળમાં આવેલ બે ઈન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈને પ્રેક્ટીકલ માહિતી મેળવી હતી. શાપર-વેરાવળની જયદીપ ઓક્સિજન પ્રા.લી. ની મુલાકાત લીધી હતી. આ કંપની ઓક્સિજનનું ઉત્પાદન કરે છે જે બે પ્રકારના ઓક્સિજન બનાવે છે. ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન અને મેડીકલ ઓક્સિજન. પ્લાન્ટ એન્જીનીયર નાયરે ઓક્સિજન ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા બતાવીને સમજાવી હતી. મેનેજર દર્શનભાઈ લાખાણીએ કંપનીના સંચાલન વિશે જરૂરી માહિતી પૂરી પાડી હતી. વિદ્યાર્થીનીઓએ જે પ્રશ્ર્નો પૂછેલ તેનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ. આ મુલાકાત બદલ ડો. રામક્રિષ્ના સહિત ઉપસ્થિત અન્ય તમામ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાપર-વેરાવળમાં આવેલ બીજી કંપની જગદીશ પ્રેસીઝન કાસ્ટ પ્રા. લી. ની મુલાકાત લીધી હતી. આ કંપની જુદા-જુદા પ્રકારના સ્પેરપાર્ટસ બનાવે છે અને ઔદ્યોગિક એકમોને પૂરા પાડે છે તેમજ નિકાસ પણ કરે છે. કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર પણ સારૂં છે. આ કંપની જુદા-જુદા 300 પ્રકારના કાચા માલનો ઉપયોગ કરે છે. સાવનભાઈએ કંપનીના સંચાલક મંડળ વિશેની માહિતી આપી હતી. કંપનીના કર્મચારીઓએ કાચા માલની ખરીદીથી શરૂ કરીને સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા બતાવીને સમજાવી હતી. આ કંપનીમાં પણ વિદ્યાર્થીઓએ જુદા-જુદા પ્રશ્ર્નો પૂછેલ જેનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ. કંપનીની મુલાકાતમાં મદદ થનાર કર્મચારીઓનો આભાર માનવામાં આવ્યો હતો.
આ ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ ગોઠવી આપવામાં મદદરૂપ થનાર ભીમભાઈ એ. ઓડેદરાનો કોલેજ સ્ટાફ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ આજી ડેમની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંથી પ્રદ્યુમન પાર્કે પહોંચી ગયા હતા. આ પાર્કમાં જુદા-જુદા સાપ, હરણ, પક્ષીઓ, સિંહ, સફેદ વાઘ, દીપડા વગેરે અંગે પણ માહિતી મેળવી હતી. આ મુલાકાતમાં વિદ્યાર્થીનીઓ સાથે સ્ટાફ પણ જોડાયેલ. જેમાં પી.જી. ડીપાર્ટમેન્ટના ઈન્ચાર્જ રણમલભાઈ મોઢવાડીયા, પ્રો. જાનકીબેન કોટેચા, પ્રો. રિદ્ધિબેન ગોટેચા, પ્રો. ભાવિકાબેન ગોહેલ, પ્રો. રીતેષ અને જલ્પાબેન મજીઠીયા જોડાયા હતા.
આ મુલાકાતને કો-ઓર્ડિનેટર કેતનભાઈ શાહ, વર્કિંગ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા અને ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ શુભેચ્છા આપીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે પુસ્તકના જ્ઞાન ઉપરાંત પ્રેક્ટીકલ જ્ઞાન જરૂરી છે. જે આવી મુલાકાતો દ્વારા મળે છે તેથી આવી મુલાકાતો ખૂબ જ જરૂરી છે.
