પોરબંદર તા.21
પોરબંદરના વાડી પ્લોટ શેરી નં. 3 અને 4 ની વચ્ચે રોડ બનાવવાની કામગીરી અનુસંધાને ખોદકામ કરવામાં આવ્યું હતું. તે અંગે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાનું ધ્યાન દોર્યું હોવા છતાં પાઈપલાઈનનું સમારકામ થયું નથી જેના કારણે આ વિસ્તારના 12 મકાનમાં છેલ્લા 4 દિવસથી પાણી વિતરણ બંધ થઈ ગયું છે અને ગલીમાં પાણી વેડફાઈ રહ્યું છે. આ વિસ્તારના રહેવાસીઓ નરોત્તમભાઈ પલાણ, બાબુભાઈ પેન્ટર, દીવુબેન ઓડેદરા, અજયભાઈ વગેરેએ ધ્યાન દોરીને જણાવ્યું છે કે ચાર-ચાર દિવસથી રોડને આડેધડ ખોદી નાખવાને લીધે પાણી મળતું નથી તો બીજી બાજુ વિપુલ માત્રામાં જળરાશી ગલીમાં ઢોળાઈ રહી છે તેથી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી તેમાં મચ્છર જેવા જંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. માટે તંત્ર કોન્ટ્રાક્ટરોને સુચના આપીને તાત્કાલીક સમારકામ કરાવે અને પાણીનો વેડફાટ અટકાવે તે જરૂરી બની જાય છે.
