પોરબંદર તા.24
રાણાવાવ તાલુકાના પાદરડી ગામે નવનિર્મીત શિવમંદિરે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત હવન યોજાઈ રહ્યા છે.
રાણાવાવ તાલુકાના અંતિમ છેવાડાના ગામ અને પોરબંદર તાલુકાના ઘેડના અંતિમ છેવાડા એરડા ગામથી 3 કિલોમીટર દૂરના અંતરે આવેલ પાદરડી ગામે સમસ્ત ગામના સહયોગથી અંદાજે 8 લાખ રૂપીયાના ખર્ચે નવનિર્મિત અદ્યતન મંદિર એવા શ્રી મોતીશ્ર્વર મહાદેવના મંદિરે શંકર ભગવાન, પાર્વતીજી તેમજ ગણેશજી મહારાજના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે તા. 24 જાન્યુઆરી શુક્રવાર તેમજ તા. 25 જાન્યુઆરી શનિવારના બે દિવસ સુધી ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે. કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી બે દિવસીય અવિરત મહાપ્રસાદ સાથે સમસ્ત પાદરડી ગામના સતત બે દિવસના બપોર અને સાંજના જમણવારના જબરા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ અંગેની રૂપરેખા આપતા પાદરડી ગામના કાર્યકર રામદેભાઈએ જણાવેલ કે આજે શુક્રવારે સવારે 8 કલાકથી આ સમગ્ર કાર્યક્રમની શુભશરૂઆત થઈ હતી ત્યારબાદ બપોરે 3 વાગ્યે શ્રી મોતીશ્ર્વર મહાદેવના મંદિરે શિવ-પાર્વતી અને ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠાના સામૈયા તેમજ નગરયાત્રા નીકળી હતી. જેમાં સમસ્ત પાદરડી ગામના અબાલવૃદ્ધ સહિત યુવાનો, ભાઈઓ-બહેનો જોડાયા હતા. જ્યારે સાંજે સમસ્ત પાદરડી ગામના જમણવાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગામના યુવાનો, ભાઈ-બહેનો મહેર સમાજના મણીયારા રાસના તાલે દાંડીયારાસ તેમજ રાસગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં ખ્યાતનામ કલાકારોમાં ડેવીન ઓડેદરા, લાખણશી આંત્રોલીયા, પરબતભાઈ રાણાવાયા, પ્રતાપ રાણાવાયા, લાભુબેન કેશવાલા, રાજેશ્રી ઓડેદરા, વિજય ઓડેદરા, રમેશ ઓડેદરા તેમજ ચેતન તન્ના, તેજલ એરડા, રોશની જોષી, ભાવેશ ઢાંકેશાના રીધમની ટીમના સથવારે મોડી સાંજ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારબાદ આજે તા. 25 ને શનિવારે સવારે 10 કલાકે શાસ્ત્રોક્ત વિધીવિધાનથી નવનિર્મીત મંદિરમાં મૂર્તિનો જલાભિષેક, ત્યારબાદ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વિધી બપોરે 1:45 કલાક સુધી ચાલુ રહેશે. બપોરે 3 કલાકે નગરયાત્રા નીકળશે, જ્યારે શાસ્ત્રોક્ત વિધી વિધાનથી યોજાનાર હોમાત્મક હવનની પૂર્ણાહુતિ બપોર બાદ 4:30 કલાકે થશે. સાંજે 6 વાગ્યા પછી સમસ્ત પાદરડી ગામનો જમણવાર કાર્યક્રમ યોજાશે. જ્યારે સાંજે 9 કલાકથી સવાર સુધી નામાંકિત ભાવનગરના અકવાડાના રામામંડળના ભાઈઓ નકલંક નેજાધારી બાબા રામદેવજી મહારાજના આખ્યાન રજુ કરશે, જેમાં રામદેવપીરના જન્મોત્સવથી સમાધી સુધીના પ્રસંગોને આવરી લેશે.
આ સમગ્ર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ જબરા જમણવાર સહિતના ખર્ચના દાતા તરીકે મુળ મોઢવાડાના અને ખાપટ નિવાસી તેમજ હાલ લંડન રહેતા માંડણભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહેશે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો માણવા સમસ્ત પાદરડી ગામ તરફથી સૌને ઉપસ્થિત રહેવા એક યાદી પાઠવવામાં આવી છે.
