મજીવાણા-મોરાણા જતા રસ્તે પાંચ લાખના ખર્ચે કોઝ-વે નું ખાતમુહૂર્ત

પોરબંદર તા.24
પોરબંદર નજીકના મજીવાણા-મોરાણા જતા રસ્તે પાંચ લાખના ખર્ચે કોઝ-વે નું ખાતમુહૂર્ત આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું, આ કોઝ-વે બની જશે ત્યારે ગ્રામ્યપંથકના લોકોને ચોમાસા દરમિયાન અવરજવરમાં વેઠવી પડતી હેરાનગતિનો અંત આવશે.
પોરબંદરના બરડાપંથકના ગામડાઓમાં કરોડો રૂપીયાના વિકાસકામો મંજુર થઈ રહ્યા છે ત્યારે મજીવાણા થી મોરાણા જતા રસ્તે કોઝ-વે ની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી હતી. ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ, ખેડૂતોને વગેરેને અવરજવરમાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આથી ગ્રામજનોએ તે અંગેની રજુઆત ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને કરતા તેમણે તેમની ગ્રાન્ટમાંથી રૂપીયા પાંચ લાખ જેવી રકમ મંજુર કરી હતી. તેથી પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ આવળાભાઈ ઓડેદરા, તાલુકાપંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, નિર્મલજીભાઈ ઓડેદરા, સરપંચ જાડેજા, ઉપસરપંચ દિલીપભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ આપેલી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન લોકોની અવરજવર બંધ થઈ જતી હતી. કેમ કે બેઠા રોડ ઉપરથી પાણી ફરી વળતું હોવાને લીધે રસ્તો બંધ થઈ જતો હતો, જેથી લોકોનેે નીકળવામાં મુશ્કેલી પડતી હતી. આથી ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સમક્ષ તે અંગેની વિગતવાર રજુઆતો કરવામાં આવી હતી અને તેમણે વર્ષ 2018-19 ની પોતાની જ ગ્રાન્ટમાંથી રૂપીયા પાંચ લાખ જેટલી રકમ મંજુર કરાવતા આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આગામી ચોમાસા પહેલા કોઝ-વે નું કામ પૂર્ણ થઈ જવાનું હોવાથી હવે આ વિસ્તારના લોકોને ચોમાસામાં હેરાનગતિ વેઠવી પડશે નહીં, ગ્રામજનોએ પણ ધારાસભ્ય સહિત આગેવાનોનો આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ