અડવાણામાં તાલુકાકક્ષાના ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી

પોરબંદર તા.27
પોરબંદર નજીકના અડવાણા ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અડવાણા ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં પોરબંદર તાલુકાકક્ષાના 71 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના પ્રાંત અધિકારી કે.વી. બાટી દ્વારા ભારતની આઝાદીના પાયાના પથ્થર, દેશભક્તો તેમજ આધુનિક ભારતની માહિતી આપી વિદ્યાર્થીઓને ભારતના ભવિષ્યના નાગરિક માટે સરદાર વલ્લભભાઈ પટેલનું ઉદાહરણ આપેલ હતુ.
અડવાણાની તમામ પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધતાસભર અને ઉર્જાસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ આવડાભાઈ, સરપંચ ભીખુભાઈ, ઉપસરપંચ ભીમાભાઈ, શાળાના ટ્રસ્ટી અરજનભાઈ કારાવદરા, હર્ષિલભાઈ કારાવદરા, યુ.કે. સ્થિત જેઠાભાઈ કારાવદરા તેમજ તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગામના આગેવાનો તથા ગ્રામજનોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર તાલુકા પંચાયત દ્વારા અડવાણા ગ્રામ પંચાયતને રૂપીયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ. જે રકમથી સરપંચે અડવાણા ઉ.મા. શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવી આપવા જાહેરાત કરી હતી. જીલ્લાકક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થીનીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન અડવાણા ઉ.મા. શાળાના શિક્ષક હિરેનભાઈ કાલાવડીયા તેમજ આભારવિધી શાળાના આચાર્ય અરજનભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ