પોરબંદરમાં રોડ વચ્ચે બાખડતા બે આખલાઓએ વૃધ્ધનો ભોગ લીધો

પોરબંદર તા.27
પોરબંદરમાં રખડતા-ભટકતા પશુઓના ત્રાસને કારણે વધુ એક વૃધ્ધનો ભોગ લેવાયો છે જેમાં બે આખલાઓ બાખડતા હતા અને અચાનક જ રોડ ઉપર આવ્યા ત્યારે ત્યાંથી પસાર થતાં સ્કુટર સાથે તેઓ અથડાયા હતા જેમાં સ્કુટરમાં પાછળ બેસેલ વૃધ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા બાદ તેમને અમદાવાદ સારવાર માટે લઇ જવાતા મોતનો બનાવ બન્યો છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના પક્ષી અભ્યારણ્ય નજીક રહેતા અને ગાયવાડી મેઇન રોડ ઉપર દરજીકામની દુકાન ધરાવતા રતિભાઇ નાથાભાઇ સોલંકી ઉ.વ. 79 બે દિવસ પૂર્વે પોતાની દુકાનમાં કામ કરતા કર્મચારી સાથે સ્કુટર ઉપર બેસીને ઘરે જમવા જતા હતા ત્યારે ગાયવાડી રોડ ઉપર અચાનક જ ગલીમાં બે રખડતા અને શિંગડા ભરાવીને આખડી રહેલા ખુંટીયાઓ આડે ઉતર્યા હતા. સ્કુટર ચલાવી રહેલ વ્યકિતને સામાન્ય ઇજા થઇ હતી પરંતુ રતિભાઇ સોલંકીને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને માથામાં હેમરેજ થવાને લીધે તેમને ગંભીર સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા અને ત્યાં તેઓ કોમામાં સરી ગયા હતા અને અંતે તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાંરખડતા-ભટકતા પશુઓએ અનેકના ભોગ લીધા છે. નવા કલેકટર અધિકારીઓ આવે ત્યારે જાહેરનામા બહાર પાડીને પશુઓના માલીકો સામે કાર્યવાહી કરવાની ચિમકીઓ આપે છે પરંતુ આવી બાબત માત્ર કાગળ પુરતી જ સીમીત રહી જાય છે ત્યારે પોરબંદર શહેરમાં પશુઓના ત્રાસને કારણે વધુ એક વૃધ્ધનું મોત નિપજતા સ્વભાવિક રીતે જ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાનું નિષ્ક્રિય તંત્ર પણ રખડતા પશુઓ માટે કાંઇ જ કરતું નથી તેની સામે પણ આક્રોશ વ્યકત થયો છે.

રિલેટેડ ન્યૂઝ