પોરબંદરમાં વિપ્ર મહિલાઓ માટે ‘ફિટ બ્રહ્મનારી’ યોગશિબિર યોજાઈ

પોરબંદર તા.28
પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા વિપ્ર મહિલાઓ માટે યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા “ફીટ બ્રહ્મનારી યોગશિબિરનું આયોજન શહેરમાં આવેલ શ્રી ગોપનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કરવામાં આવેલ હતું. બ્રહ્મસમાજના બહેનોના સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે યોજાયેલ આ યોગશિબિરમાં અતિથી વિશેષ ડો. ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના તથા પોરબંદર જીલ્લાના મહિલા પ્રભારી વાસંતાબેન કોરડીયા તથા યોગગુરુ ઉષાબેન શિયાળના હસ્તે દીપપ્રાગટ્ય કરી યોગશિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપસ્થિત અગ્રણીઓને ઉપવસ્ત્રથી સન્માનિત કરી મહિલા પાંખના બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
હાલમાં શિયાળાની સીઝન હોય બહેનોએ તેમની તંદુરસ્તી માટે ફિટ રહેવું જોઈએ, જો બહેનો ફિટ રહેશે તો તેમનો પરિવાર પણ સ્વસ્થ રહેશે અને શરીર નિરોગી હશે તો મન પણ પ્રસન્ન રહેશે. શારીરિક તંદુરસ્તી સાથે માનસિક પણ તંદુરસ્ત રહેવાશે. માટે આપણા શરીરમાં રહેલા રોગો દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના હેતુસર આ યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક રોગોનું નિવારણ યોગ મારફત થાય છે, આપણા ઋષિ-મુનિઓએ બતાવેલ યોગ દ્વારા અનેક બિમારી મટાડી શકાય છે. આ યોગશિબિરમાં અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેલા ડો. ચેતનાબેન તિવારીએ ઉપસ્થિત બહેનોને સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવા માટે ખાસ કહ્યું હતું કે “પહેલું સુખ તે જાતે નર્યા જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરે ડાયટ ફૂડ અને હેલ્ધી ફૂડ વિશે માહિતી આપી હતી અને બહેનોએ તો ખાસ સ્વસ્થ અને ફીટ રહેવું જોઈએ તેવો ભાર મૂક્યો હતો. આ યોગશિબિરમાં પતંજલિ યોગ સમિતિના પોરબંદર જીલ્લાના મહિલા પ્રભારી વાસંતાબેન અને યોગગુરુ ઉષાબેને બધા બહેનોને ધ્યાન, પ્રાણાયામ અને વિવિધ આસનો શિખવ્યા હતા અને યોગ વિશે તમામ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. યોગના આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં બ્રહ્મસમાજના બહેનોએ ભાગ લીધો હતો અને ઉત્સાહપૂર્વક યોગના આસનો કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત બહેનોએ ‘અમે પણ ફિટ રહીશું અને પરિવારને પણ ફિટ રાખીશું’ તેવા સંકલ્પ સાથે શિબિરનું સમાપન કર્યું હતું. સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-પોરબંદર જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરની સાથે તેમની ટીમના અસ્મિતાબેન જોષી, ઉષાબેન મોકરીયા, ભાવનાબેન રાવલ વગેરે બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ