પોરબંદર તા.7
પોરબંદર નજીકના દરિયાઈ પટ્ટી પરના રંગબાઈ માતાજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ કલાકાર દિલીપ જોશીએ પિતા અને ભાઇ સહિત પરિવારજનો સાથે હાજરી આપી હતી.
પોરબંદર નજીક દરિયાઈ પટ્ટી પર ઓડદર નજીક આવેલા પૂ. રંગબાઈ માતાજી મંદિરના પરિસરમાં મહા સુદ તેરસને શુક્રવારે “મંદિર ર્જીણોદ્ધાર તિથિ ઉત્સવ તથા “શાંતિ સુખાકારી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે યજ્ઞવિધી તથા સન્માન સમારોહ યોજાયા હતા. આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ કલાકાર દિલીપ જોશી, તેના પિતા અને ભાઇ સહિત પરિવારજનો સાથે ખાસ હાજર રહ્યા હતા. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સમારંભના પ્રમુખ તરીકે ગોસા-મસ્કત ઓમાનના નારણજી ભાણજી જોષી તથા અતિથિ વિશેષ તરીકે મુંબઈના કિશોરભાઈ પરસોતમભાઈ જોષી, દારેસલામ-આફ્રિકાના જીવનલાલ જેઠાલાલ જોષી, અમદાવાદના કિશોરભાઈ મણીલાલ જોષી અને ધીરજલાલ રૂગનાથ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભોજન સમારંભ બાદ બપોરે લોકડાયરો યોજાયો હતો જેમાં ‘તરંગ’ ના કલાકારો મનસુખગીરી ગોસ્વામી, નિમિષા મોઢા તથા સાથીઓ સાથે દિનેશભાઈ જોષી ડાયરામાં રંગ જમાવ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા બર્ડાઈ બ્રહ્મસમાજના અગ્રણીઓ મેનેજીંગ ટ્રસ્ટીઓ વિઠ્ઠલભાઈ ભીમજીભાઈ જોષી, લાલજીભાઈ નાથાલાલ જોષી તથા ટ્રસ્ટીગણ અને સમસ્ત જોષી પરિવાર-ગોસા તથા શ્રી રંગબાઈ માતાજી મંદિરની સ્વાગત સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિલીપ જોશી અચુક પોરબંદરના રંગબાઇ મંદિરે હાજરી આપે છે અને માતાજીને શીશ નમાવીને સહપરિવાર આશિર્વાદ મેળવે છે.
