પોરબંદર તા.7
પોરબંદરની એક્સ્ટ્રીમ ફિટનેશ કેરને રાષ્ટ્રીય કક્ષાનો ફિટનેશ એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેમાં બોલીવુડ એક્ટર કમાન્ડો ફેઈમ વિદ્યુત જામવાલે વિશેષ સન્માન કર્યું હતું.
તાજેતરમા એક રાષ્ટ્રીય કક્ષાના ફિટનેશ એવોર્ડનું આયોજન ન્યૂ દિલ્હી મૂકામે કરવામાં આવેલ. જેમાં ભારત દેશના વિવિધ 28 રાજ્યો તથા 6 કેન્દ્રશાસિત પ્રદેશના ફિટનેશ સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને વિવિધ રાજ્યોમાં સર્વે ટીમ દ્વારા નોમીનેટ કરવામાં આવેલ. જેમાં એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના છેલ્લા પાંચ વર્ષના ટ્રેક રેકોર્ડના આધારે “ઈન્ડીયા’સ મોસ્ટ પ્રોમીનેન્ટ ફિટનેશ એવોર્ડસ-2020 માટે એક્સ્ટ્રીમ ફિટનેશ કેરને “બેસ્ટ સેલ્ફ ડીફેન્સ એન્ડ ફિટનેશ સર્વિસીસ ટાઈટલથી સન્માનિત કરવામાં આવેલ. આ એવોર્ડ બોલીવુડ એક્ટર અને પોતાના માર્શલ આર્ટસના રોમાંચિત સ્ટન્ટ પરફોર્મર અને કમાન્ડો ફેમ-એક્શન હીરો વિદ્યુત જામવલ દ્વારા એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના ફાઉન્ડર કેતન કોટિયા અને સુરજ મસાણી ને એવોર્ડ આપી વિશેષ સન્માન કરવામાં આવેલ.
સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સંસ્થા ‘એક્સ્ટ્રીમ ફિટનેશ કેર’ પોરબંદરને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ. જ્યારે એક્સ્ટ્રીમ ફિટનેશ કેરની સતત પાંચ વર્ષ સુધી 10 હજાર જેટલી વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડીફેન્સની ટ્રેનીંગ તથા પોલીસ, નેવી, ઈન્ડિયન કોસ્ટગાર્ડ તથા સિવીલીયન માટે તથા સમાજના દરેક વર્ગના લોકો બાળકો, યુવક-યુવતીઓ અને વયસ્ક લોકો માટે ફિટનેશના વિવિધ કાર્યક્રમો બદલ “બેસ્ટ સેલ્ફ ડિફેન્સ અને ફિટનેશ સર્વિસીસ માટે રાષ્ટ્રીય કક્ષાના ઈન્ડીયાસ મોસ્ટ પ્રોમીનેન્ટ ફિટનેશ એવોર્ડસ બોલીવુડ સ્ટારના હસ્તે એનાયત કરવામાં આવેલ. આ એવોર્ડનો તમામ શ્રેય એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના કેતન કોટિયા અને સુરજ મસાણીએ પોરબંદરની જનતા, એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના તમામ ઈન્સ્ટ્રક્ટરો અને એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના સદસ્યોને આપ્યો હતો.
