રાષ્ટ્રીયકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પોરબંદરની યુવતી દ્ધિતીય ક્રમે

પોરબંદર,તા.8
નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પોરબંદરની યુવતીએ દેશના 31 રાજયના સ્પર્ધકો સાથે કસોકસની ટક્કર ઝીલીને ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરીને દ્ધિતિય ક્રમ પ્રાપ્ત કરતા રૂપિયા 1 લાખનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયું હતું.
તાલુકા, જીલ્લા અને રાજયમાં પ્રથમ
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં પોરબંદર તાલુકા અને પોરબંદર જીલ્લામાં પોરબંદરના જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર અને પબ્લીક સ્પીકર રિદ્ધિબેન માખેચાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ રાજ્યકક્ષાની સ્પર્ધા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં યોજવામાં આવી હતી. જેમાં પોરબંદર જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાતના તમામ જીલ્લાના સ્પર્ધકોને મ્હાત આપીને રિદ્ધિબેન માખેચાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જીલ્લાકક્ષાએ તેમને પાંચ હજાર રૂપીયાનો રોકડ પુરસ્કાર અને રાજ્યકક્ષાએ તેમને 25 હજાર રૂપીયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીયકક્ષાએ દ્ધિતિય ક્રમ મેળવ્યો
ભારત સરકારની જીલ્લા યુવા સંયોજક વર્ગ-1 ની કચેરી નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા નવીદિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં દેશના 31 રાજયોના સ્પર્ધકો જોડાયા હતા જેમાં ગુજરાતનું પ્રતિધિત્વ રિધ્ધી હાર્દિકભાઇ માખેચાએ કર્યુ હતું અને તેમણે ખુબ જ મહત્વની સ્પીચ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ બાબત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા “સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્ર્વાસ સુત્રને સાર્થક થઇ રહ્યું છે. તેમણે રાષ્ટ્રના વિકાસ માટે યુવાશક્તિને પ્રતિનિધિત્વ આપવામાં આવે તથા મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિને વેગવંતી બનાવવામાં આવે તેની સાથોસાથ ભ્રષ્ટાચાર નાબુદી માટે શું શું કરી શકાય ? તે વિષે પોતાના મૌલિક વિચારો આગવી છટા સાથે વ્યક્ત કરીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. તેમણે પોતાની આગવી શૈલીવડે વકતવ્ય આપીને ચોટદાર રીતે પોતાની વાત રજુ કરી હતી. તેમને યુથ એન્ડ સ્પોર્ટસ મીનીસ્ટર કીરેન રીજીજુના હસ્તે રૂપિયા 1 લાખનો ચેક અને સર્ટીફીકેટ સહિત ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીફેન્સ મીનીસ્ટર રાજનાથસિંહના હસ્તે પણ તેમનું અભિવાદન થયું હતું તથા પ્રજાસત્તાકપર્વની ઉજવણી પરેડ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપીને કાર્યક્રમ નિહાળવાનો મોકો મળ્યો હતો.
અગાઉ તેઓએ યુવા મહોત્સવ સહિત અનેક સ્પર્ધાઓમાં વક્તૃત્વ સ્પર્ધાઓમાં, ડીબેટ સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે રિદ્ધિબેનની આ સિદ્ધિને પોરબંદરવાસીઓએ બિરદાવી છે તથા રાષ્ટ્રીયકક્ષાએ પણ પોરબંદર અને ગુજરાતનું નામ રોશન કરવા બદલ નહેરૂ યુવા કેન્દ્રના અધિકારી રમેશ કપુર સહિત ટીમે શુભેચ્છા આપી છે.
કુલ પ6000 સ્પર્ધકોમાંથી દેશમાં બીજો ક્રમ મેળવ્યો
નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા દેશના દરેક રાજયોમાં, જીલ્લાઓમાં અને તાલુકાઓમાં આ સ્પર્ધા યોજાઇ હતી જેમાં કુલ પ6000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી તાલુકાકક્ષાએ, જીલ્લાકક્ષાએ, રાજયકક્ષાએ પ્રથમ આવ્યા બાદ રિધ્ધી માખેચા હવે રાષ્ટ્રીયકક્ષાએ દ્ધિતિય આવ્યા છે ત્યારે તેમણે માત્ર ગાંધીભુમિનું જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તેમ જણાવીને તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ