યુ.કે.ના શિક્ષણવિદે પોરબંદરના કોલેજીયનોને આપ્યું માર્ગદર્શન

પોરબંદર તા.14
મુળ પોરબંદરના તથા દાયકાઓથી યુ.કે. સ્થાયી થયેલા અને 3પ વર્ષના શિક્ષણના અનુભવીએ વતનમાં આવીને કોલેજીયન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
પોરબંદરની વી.જે.મોઢા કોલેજ અવિરત એવા પ્રયત્નો કરતી હોય છે કે જેથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રૂચિ વધે, આવો જ એક પ્રયત્ન યુ.કે. નિવાસી શિક્ષણ જગતના પ્રખ્યાત અને 3પ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો. ભાસ્કર થાનકી દ્વારા કરેલો કે જેઓ દેશ-વિદેશમાં પોતાના અનુભવનો લાભ વિદ્યાર્થી તથા શિક્ષકોને આપતા રહ્યા છે.
આ અંતર્ગત વી.જે.મોઢા કોલેજ ખાતે વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવા માટેની સરળ રીતો, ગમ્મત સાથે જ્ઞાન અભ્યાસમાં રૂચી, વ્યવહારિક જ્ઞાન આપી વિદ્યાર્થીના મનને પ્રફુલીત કરતો એક સરસ અને અસરકારક સેમિનાર યોજેલ.
વિદેશની શિક્ષણ પદ્ધતિ તથા ભારતીય શિક્ષણ પદ્ધતિ વચ્ચેની સામ્યતા તેમજ તફાવત વિશે તેઓએ જાણકારી આપી હતી. તથા અન્ય દેશો દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી કઇ રીતે વિકાસ કરે છે તેનાથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરેલા. જેમાં આશરે 80-100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.
સમગ્ર આયોજનના સફળ સંચાલન માટે પ્રમુખ વલ્લભભાઇ મોઢાએ અભિનંદન પાઠવી સૌનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ ટ્રસ્ટી અશોકભાઇ મોઢાએ અંગત રસ લઇ સૌને પ્રેરણા આપી હતી. આ ઉપરાંત ટ્રસ્ટીઓ નરેન્દ્રસિંહ ગોહીલ, રમેશભાઇ મોઢા, અશોકભાઇ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઇ થાનકી, રવિભાઇ થાનકી, પ્રિન્સીપાલ પરેશભાઇ સવજાણી, ડાયરેકટર દર્શનભાઇ શેઠ, એચઓડી વિશાલભાઇ પંડયા તેમજ સર્વે સ્ટાફએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ