રાતીયા ગામે દારૂ પીવાની ટેવ ધરાવતા શખ્સે આધેડને મારી લાકડી

ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઇસમે પોત પ્રકાશ્યુ

પોરબંદર નજીકના રાતીયા ગામે દારૂ પીવાની ટેવ ધરાવતા શખ્શે આધેડને લાકડી મારતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના રાતીયા ગામે રહેતા ભુપતગર કાનગર ગોસાઇ ઉ.વ. 52 દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેના ઘરની પાસે પાન માવાની દુકાન આવેલી છે. જ્યાં સાંજે સાતેક વાગ્યે દીપુ કારા ઓડેદરા દુકાનના ઓટલા ઉપર બેઠો હતો અને ફરિયાદી ભુપતગરને ગાળો બોલતો હતો આથી ફરિયાદીએ તેને ‘અહીંયા અમારી બહેન -દીકરીઓ રહે છે તુ આવી રીતે ગાળો ન બોલ’ તેમ કહેતા દીપુ ઓડેદરા ઉભો થઇ ગયો હતો અને દુકાન પાસેથી લાકડી લઇને આવ્યો હતો અને ફરિયાદીના માથાના ભાગે લાકડીનો જોરદાર ઘા મારી દેતા ફરીયાદી લોહીલુહાણ થઇ ગયો હતો અને ચકકર આવવા લાગ્યા હતા તેમ છતાં દીપુ ત્યાં ઉભો ઉભો ગાળો બોલતો હતો એ ‘હવે જો વધારે કંઇ બોલીશ તો તારી હત્યા કરી નાખીશ’ તેવી ધમકી આપતો હતો આથી ફરિયાદી ભૂપતગરે બુમાબુમ કરતા રોટલા ઘડી રહેલી તેની પત્ની નાથીબેન ત્યાં આવી ગઇ હતી અને આજુબાજુમાં લોકો ભેગા થઇ જતા દીપુ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને કારમાં અને ત્યારબાદ રસ્તામાંથી 108માં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પહોંચાડયો હતો ત્યાં તેને માથાના ભાગે દસથી બાર ટાંકા આવ્યા છે અને ત્યાંથી તેણે પોલીસ ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે ‘દીપુ કારા ઓડેદરાને દારૂ પીવાની ટેવ છે અને તે ગાળો બોલતો હતો તેની ના પાડતા ઉશ્કેરાઇને હુમલો કર્યો છે’ ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ