પોરબંદર શહેરમાં ’સ્માર્ટ સિટી’ અને ’વિકાસ’ના બણગાં ફૂંકતી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે પ્રજાના જાનનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે.
ગઈકાલે રાત્રે અંદાજે 12:00 વાગ્યાના સુમારે જૂના ફુવારાથી એસ.ટી. બસ સ્ટેન્ડ તરફ જતા મુખ્ય માર્ગ પર, ટ્રાફિક પોલીસ ચોકીથી થોડે દૂર, ભાવસિંહજી હોસ્પિટલ નજીક આવેલી ચાર રસ્તા ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચોકડીમાં ન તો રેડિયમ, ન કલર કામ, કે ન કોઈ રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હોવાથી રાત્રીના અંધારામાં એક કાર સીધી સર્કલ ઉપર ચડી ગઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક દોડી ગયું હતું અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
તંત્રની આંખ
ઉઘાડનારી હકીકત
આ કોઈ પહેલી ઘટના નથી. આ જ ચોકડી પર અંધારાના કારણે અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. પ્રજા દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ ચોકડી પર રિફ્લેક્ટર, રેડિયમ પટ્ટી કે યોગ્ય કલર કામ કરવાની તસ્દી સુદ્ધાં લેવામાં આવી નથી. ’વિકાસ’ના નામે માત્ર કાગળ પર યોજનાઓ ઘડનારું તંત્ર જમીની હકીકતથી સાવ અજાણ હોય તેમ વર્તે છે.શું મહાનગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? શું પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓને નાગરિકોની સુરક્ષાની કોઈ પડી જ નથી? રાત્રિના સમયે દેખાતું જ ન હોય તેવું સર્કલ મોતનું જાળ બનીને બેઠું છે.
પોરબંદરની જાગૃત જનતા મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારીને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. તંત્ર જો હજુ પણ નહીં જાગે અને તાત્કાલિક ધોરણે આ ચોકડી સહિત શહેરના તમામ જોખમી પોઈન્ટ પર રિફ્લેક્ટર, રેડિયમ અને કલર કામ નહીં કરાવે તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે.ઘટના સ્થળે તાત્કાલિક રિફ્લેક્ટર અને રેડિયમ પટ્ટી લગાડવામાં આવે. શહેરના તમામ સર્કલ અને ડિવાઈડર પર રાત્રે ચમકે તેવા કલર કામ કરવામાં આવે રજૂઆત છે.
