પ્રવાસીઓ માટે ખુલ્લું તો મુકાયું પણ સુવિધાઓના નામે મીંડું: 2001ના ભૂકંપમાં નુકશાન થયા બાદ રાજ્ય પુરાતત્વ ખાતા દ્વારા કટકે કટકે રીનોવેશનની કામગીરી હાથ ધરાઈ
પોરબંદર નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલું ઐતિહાસિક ઘુમલી ગામ અને ત્યાંનું ’નવલખા મંદિર’ સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની હરોળમાં મુકાય તેવું અદ્વિતીય સ્થાપત્ય છે. તેમ છતાં, રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા હસ્તકની આ ઐતિહાસિક ધરોહર ઉપેક્ષાનો ભોગ બની રહી છે.
ઐતિહાસિક મહત્વ
જેઠવા વંશના શાસકો દ્વારા 11મી-12મી સદીમાં સૂર્યદેવને સમર્પિત આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર ગણાય છે.નિર્માણમાં નવ લાખ સોનામહોરોનો ખર્ચ થયો હતો, તેથી ’નવલખા’ કહેવાય છે.મારુ-ગુર્જર એટલે કે સોલંકી શૈલીનો ઉચ્ચ નમૂનો. ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો 45.72 ડ્ઢ 30.48 મીટર. એકબીજામાં ઘૂસેલા ત્રણ દાંત વાળા હાથી આ મંદિરનું પ્રતીક છે.ઈ.સ. 1313માં આક્રમણમાં ભારે નુકસાન થયું હતું. 7મીથી 14મી સદી સુધી ઘુમલી જેઠવા વંશની રાજધાની હતી.
પ્રવાસીઓ માટે ખુલ્લું,પણ સુવિધાઓ શૂન્ય
વર્ષ 2001ના ભૂકંપમાં મંદિરના ઉપરના ભાગે અને દીવાલોમાં નુકસાન થયા બાદ રાજ્ય પુરાતત્વ ખાતા દ્વારા કટકે કટકે રીનોવેશનની કામગીરી હાથ ધરાઈ. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કામગીરી અયોગ્ય અને અપૂરતી રહી છે. જૂની મૂળ કોતરણી પર જ નવી કોતરણી ચડાવી દેવાતા મૂળ સૌંદર્ય જળવાતું નથી.
હાલની સ્થિતિ
હાલ આ ઐતિહાસિક મંદિર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પાયાની સુવિધાઓનો સદંતર અભાવ છે. પીવાના પાણી, શૌચાલય, બેસવાની વ્યવસ્થા, માહિતી બોર્ડ કે ગાઈડ જેવી કોઈ જ પ્રકારની સગવડો ઉપલબ્ધ નથી. દૂરદૂરથી આવતા પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સોમનાથની હરોળનું મંદિર હોવા છતાં સુવિધાના અભાવે પ્રવાસીઓ નિરાશ થઈને પરત ફરે છે.
સોમનાથની જેમ સમગ્રલક્ષી વિકાસ કરો
જે રીતે સોમનાથ મંદિરનો ભવ્ય વિકાસ કરી વિશ્વસ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, એ જ ધોરણે ઘુમલીના નવલખા મંદિરનો પણ સમગ્રલક્ષી વિકાસ અનિવાર્ય બન્યો છે. બરડા ડુંગર પ્રદેશમાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે. જો નવલખા મંદિરનો વૈજ્ઞાનિક પદ્ધતિથી જીર્ણોદ્ધાર કરી, પીવાનું પાણી, શૌચાલય, પાર્કિંગ, કેન્ટીન, ગાર્ડન, લાઈટ-સાઉન્ડ શો, માહિતી કેન્દ્ર જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉભી કરવામાં આવે તો આ સ્થળ સૌરાષ્ટ્રના પ્રવાસન નકશા પર મુખ્ય આકર્ષણ બની શકે છે અને સ્થાનિક રોજગારીને મોટો વેગ મળશે.
રાજ્ય સરકાર અને પુરાતત્વ ખાતાને રજૂઆત છે કે નવલખા મંદિરનો જીર્ણોદ્ધાર નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે.પ્રવાસીઓ માટે પાયાની તમામ સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે.સોમનાથ ટ્રસ્ટની જેમ માસ્ટર પ્લાન બનાવી સમગ્ર સંકુલનો વિકાસ કરવામાં આવે. કરોડો રૂપિયાના ખર્ચનો ઓડિટ કરી કામની ગુણવત્તા તપાસવામાં આવે. ગુજરાતના આ અમૂલ્ય વારસાને બચાવવા અને વિશ્વ ફલક પર ઉજાગર કરવા તંત્ર હવે તો જાગે એ જ સમયની માંગ છે.
