વડાપ્રધાનના સોમનાથના કાર્યક્રમમાં જનારી જનતાને ચેતવા માટે કરી હતી અપીલ: જિલ્લા ભાજપના મહામંત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવ્યો ગુન્હો
પોરબંદરના નાથા ભુરા ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય તે પ્રકારના શબ્દો સાથેનો વીડીયો ફેસબુક પર મૂકતા તેની સામે ગુન્હો દાખલ થયો છે.
ફેસબુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય અને ધાર્મિક લાગણી દુભાય તેવો વીડિયો પોસ્ટ કરનાર સામે પોરબંદરમાં ગુન્હો દાખલ થયો છે.
પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી અને ક્ધસ્ટ્રકશનનો બીઝનેશ ધરાવતા પ્રવીણ રતનશીભાઇ ખોરાવા ઉ.વ. 57 દ્વારા સાયબર ક્રાઇમ પોલીસમથકમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને 11મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન થયુ તે પૂર્વે તા. 10ના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગીગનભાઇ બોખીરીયાએ તેમના મોબાઇલમાંથી વોટસએપ મારફતે એક વીડિયો પ્રવીણભાઇને મોકલ્યો હતો. તે વીડિયોમાં પોરબંદરના નાથા ભુરા ઓડેદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય અને ફરીયાદી પ્રવીણ ખોરાવાની ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કરીને ફેસબુક આઇ.ડી. પર મોદી વિરૂધ્ધ આક્ષેપ કરતો વીડિયો મૂકયો હતો. જેમાં વીડિયોના કેપ્શનમાં એવુ લખાણ હતુ કે, ‘જાહેર જનતાને અપીલ છે કે આ ડુપ્લીકેટ મહાદેવના દર્શન કરવા ના જતા. સોમનાથ મહાદેવના દર્શનના બહાને લોકોને બસમાં આવવા-જવાનું ફ્રી છે તેવી પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારીએ અપીલ કરી છે. આ આમંત્રણથી ચેતજો’ તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્રભાષામાં ટીપ્પણીઓ પણ કરવામાં આવી છે.
આમ, નાથા ભુરા ઓડેદરાએ લખાણ લખીને વીડિયો શેર કર્યો છે તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને હાની પહોંચે છે અને ‘ડુપ્લીકેટ ભગવાન શંકર’ તેવા શબ્દોનો પ્રયોગ કરી. સોમનાથ મહાદેવના ભકતો તથા મોદીના સમર્થકો કે જેઓ સોમનાથના દર્શને ગયા છે તેમની ધાર્મિક લાગણી દુભાવી છે તેમ જણાવીને આઇ.ટી. એકટ હેઠળ કલમ -298, 336(4), 356(14), તથા આઇ.ટી. એકટની કલમ -66(ઇ) મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અર્જુન મોઢવાડીયાના જૂના
વીડીયો શેર કરીને કરે છે ટીપ્પણી
નાથા ભુરા ઓડેદરા એક સમયે પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા અને અર્જુનભાઇના ખાસ ટેકેદાર અને સાથીદાર હતા.પરંતુ અર્જુનભાઇ ભાજપમાં જોડાઇ ગયા ત્યારબાદ તેઓ અવારનવાર અર્જુન મોઢવાડીયાને ટાર્ગેટ બનાવીને સોશ્યલ મીડિયામાં વીડિયો શેર કરે છે. 36ની છાતી, 56ની છાતી કોની હોય? તે પ્રકારના અર્જુન મોઢવાડીયાના નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવતા જુના વીડિયો શેર કરીને તાજેતરમાંજ અનેક વખત ટીપ્પણીઓ કરી હતી પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી ટીકા ટીપ્પણીઓ થઇ રહી હોવાથી અંતે ભાજપના મહામંત્રીએ ગુન્હો દાખલ કરાવ્યો હોવાનું જાણવા મળે છે.
