અનેક વખત રજુઆત કરી હોવા છતાં રસ્તો પહોળો કરવાની કામગીરી થઇ નહી હોવાથી બન્યો અકસ્માતનો વધુ એક બનાવ: કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતા માચ્છીમારી ઉદ્યોગને રસ્તા અને લાઇટ જેવી પાયાની સુવિધા પણ અપાઇ નહી હોવાથી લોકઆક્રોશ છવાયો: તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે તેવી વધુ એક વખત થઇ માંગ
પોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તે ટેન્કર પલ્ટી ખાઇ ગયુ હતુ. અનેક વખત રજુઆત કરી હોવા છતાં રસ્તો પહોળો કરવાની કામગીરી થઇ નહી હોવાથી ે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતા માચ્છીમારી ઉદ્યોગને રસ્તા અને લાઇટ જેવી પાયાની સુવિધા પણ અપાઇ નહી હોવાથી લોકઆક્રોશ છવાયો છે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે તેવી વધુ એક વખત માંગ થઇ છે.
કરોડો રૂપિયાનું હૂંડિયામણ કમાવી આપતા મત્સ્ય ઉદ્યોગની કરોડરજ્જુ સમાન પોરબંદરના ઓલવેધર પોર્ટથી સુભાષનગર તરફ જતો મુખ્ય માર્ગ તંત્રની બેદરકારીના કારણે આજે મોતના માર્ગ તરીકે ઓળખાઈ રહ્યો છે. વર્ષોથી સ્થાનિકો, માછીમાર આગેવાનો અને વાહનચાલકો દ્વારા રસ્તો પહોળો કરવાની અને સ્ટ્રીટલાઈટની સુવિધા ઉભી કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
રાત્રે સર્જાયો વધુ એક અકસ્માત
ગત રાત્રે આ સાંકડા અને બિસ્માર રસ્તા પર પાણી ભરેલું એક ટેન્કર પલ્ટી ખાઈ જતા મોટો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી છતી કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તા પર આવી નાની-મોટી ઘટનાઓ રોજિંદી બની ગઈ છે.
અકસ્માતોનો સિલસિલો
અને તંત્રનું મૌન
ઓલવેધર પોર્ટ કાર્યરત થયા બાદ સુભાષનગર, બોખીરા અને ઝુંડાળા વિસ્તાર તરફ માછલી ભરેલા ટ્રક, ટેમ્પા, આઈસર અને પાણીના ટેન્કરોની દિવસ-રાત અવિરત અવર-જવર રહે છે. રસ્તો માત્ર 20 ફૂટ પહોળો હોવાથી અને બંને તરફ મોટા વાહનો પાર્ક થતા હોવાથી વાહનવ્યવહાર માટે માંડ 10 ફૂટની જગ્યા બચે છે. જેના કારણે અત્યાર સુધીમાં અસંખ્ય નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટી ચૂક્યા છે. છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
ઉદ્યોગ આપે કરોડો,
સુવિધાના નામે મીંડું
સુભાષનગર વિસ્તારમાં આવેલા ફિશ પ્રોસેસિંગ યુનિટો અને બરફના કારખાના દેશ-વિદેશમાં માછલીની નિકાસ કરી સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. આ ઉદ્યોગોને કારણે હજારો લોકોને રોજગારી મળે છે. આમ છતાં આ ઉદ્યોગો સુધી પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો પહોળો કરવા કે રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ તંત્ર અખાડા કરી રહ્યું છે, તેવો સ્થાનિકોમાં ભારે રોષ છે.
માત્ર કાગળ પરના દાવા
છેલ્લા 5 વર્ષથી નવો રસ્તો મંજૂર થઈ ગયો છે, ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, ટૂંક સમયમાં વિકાસ કામો શરૂ થશે એવા હવાઈ દાવાઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ સ્થળ પર પરિસ્થિતિ જ્યાં હતા ત્યાં જ છે. ચોમાસામાં આ રસ્તા પર પાણી ભરાઈ જતા અકસ્માતોનું જોખમ અનેકગણું વધી જાય છે.
સ્થાનિકોની માંગ
માછીમાર આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે, ઓલવેધર પોર્ટથી સુભાષનગર સુધીનો રસ્તો તાત્કાલિક ફોરલેન કરવામાં આવે. સમગ્ર રસ્તા પર હાઈમાસ્ટ સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવે. ભારે વાહનોના પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે. અકસ્માત નિવારવા સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડ મુકવામાં આવે.
જો તંત્ર હવે પણ નહીં જાગે તો આગામી દિવસોમાં માછીમાર સમાજ અને સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
