પોરબંદરના એક મોલમાં એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનું વેચાણ

મેન્યુફેકચરીંગ અને એકસપાયરી ડેટ કેરોસીનથી ભુંસીને ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાનો વીડીયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ: તંત્ર તપાસ કરે તેવી થઇ માંગણી

પોરબંદરના એક મોલમાં એકસપાયરી ડેટવાળી વસ્તુઓનું વેચાણ થઇ રહ્યુ છે અને મેન્યુફેકચરીંગ અને એકસપાયરી ડેટ કેરોસીનથી ભુંસીને ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે તંત્ર તપાસ કરે તેવી માંગણી થઇ છે.
પોરબંદરમાં અનેક જગ્યાએ ગ્રાહકોને અલગ અલગ રીતે ચાલાકીપૂર્વક છેતરવામાં આવે છે કયાંક વસ્તુઓની ગુણવત્તાઓમાં તો કયાંક વજનમાં છેડછાડ કરીને અનેક વેપારીઓથી માંડીને મોલના સંચાલકો ચીટીંગ કરી રહ્યા છે તેમ છતાં તંત્રની ઉંઘ ઉડતી નથી ત્યારે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મોલની મહિલા કર્મચારી કેરોસીનના પોતા વડે બીસ્કીટ, વેફર અને અન્ય ખાધ્યસામગ્રીના પેકેટ પર લખવામાં આવેલ બેચ નંબર, એકસપાયરી ડેટ વગેરે ભુંસતી જોવા મળી છે. પોતાને માલ વહેચાતો ન હોય તેથી આ રીતે ગ્રાહકોને બટકાવી દેવા માટે થઇને ચાલાકી કરવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે જ કર્મચારી તો તેના શેઠ દ્વારા અપાયેલી સૂચના પ્રમાણે કામ કરતી હશે પરંતુ પોરબંદરના જુદા-જુદા મોલમાં અને દુકાનોમાં આ પ્રકારે થતી છેતરપીંડી અંગે તંત્રએ તપાસ હાથ ધરવી જોઇએ અને કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઇએ તેવી રજૂઆત જાગૃત ગ્રાહકો દ્વારા થઇ છે.

રિલેટેડ ન્યૂઝ