શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ સલાટ સમાજ દ્વારા થયું આયોજન:225 વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે લીધો ભાગ
પોરબંદરમાં શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ સલાટ સમાજ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું બાળકો માટે આયોજન થતાં 225 ભૂલકાઓએ ભાગ લીધો હતો.
શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ-સલાટ સમાજ, પોરબંદર દ્વારા છેલ્લા 8 વર્ષથી સમાજના બાળકો અને યુવાનોમાં રહેલી સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે.આ વર્ષે પણ સમાજના 225 વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, રેમ્પ વોક, બોટલ આર્ટ, કવિતા પાઠન સહિત અનેક રચનાત્મક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને યુવાનો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક અભિવ્યક્તિ અને અંદરની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.ચિત્ર સ્પર્ધામાં બાળકો દ્વારા વિષય અનુસાર આકર્ષક ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બોટલ આર્ટ સ્પર્ધામાં નવનવી કલાત્મક કૃતિઓ સૌનું ધ્યાન ખેંચી રહી હતી. રેમ્પ વોકમાં બાળકોનો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ ઝળહળી ઉઠ્યું હતું તથા કવિતા સ્પર્ધામાં બાળમનોની લાગણીઓ અને વિચારોને સુંદર શબ્દોમાં રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મહિલા મંડળના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને નવી દિશા મળે છે અને સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિશ્વકર્મા મહિલા મંડળના તમામ સભ્યો, સમાજના આગેવાનો તથા વાલીઓએવિશેષ સહકાર આપ્યો હતો. અંતે તમામ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
