ગામ આખાને નોટિસો ફટકારતી પોરબંદર મહાનગરપાલિકાની પોતાની કચેરી જ ગેરકાયદે?!


બસપા દ્વારા થયેલ આર.ટી.આઇ.માં બાંધકામ પરમીશનના કાગળો માંગવામાં આવતા ‘માહિતી શૂન્ય છે’ તેવો જવાબ અપાતા આશ્ર્ચર્ય: અપીલમાં જવા માટે અરજદારે તૈયારી બતાવી

પોરબંદર નગરપાલિકાનું તંત્ર ગેરકાયદેસર બાંધકામ અંગે નોટીસ ફટકારેછે બીજી બાજુ નવો ડેવલપમેન્ટ પ્લાન ઘડવામાં આવ્યો નહી હોવાથી પોરબંદર મનપા બન્યાને 17 મહીને પણ બાંધકામને મંજૂરીઓ મળતી નથી તો બીજી બાજુ ગામ આખાને નોટિસો ફટકારતી પોરબંદર મહાનગરપાલિકાની પોતાની કચેરી જ ગેરકાયદે હોવાનું આર.ટી.આઇ.માં બહાર આવતા ઉચ્ચકક્ષાએ રજૂઆત થઇ છે.
સમગ્ર શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરી નોટિસો ફટકારતી અને ડિમોલિશન કરતી પોરબંદર મહાનગરપાલિકાની પોતાની જ કચેરીનું બિલ્ડિંગ મંજૂરી વગરનું હોવાનો ચોંકાવનારો ખુલાસો આર.ટી.આઇ. દ્વારા થયો છે. આ ઘટસ્ફોટથી મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
આર.ટી.આઇ.માં માંગ્યા કાગળો, જવાબ મળ્યો શૂન્ય
બહુજન સમાજ પાર્ટીના મહાનગરપાલિકા પ્રભારી દિનેશભાઈ માંડવીયા દ્વારા મહાનગરપાલિકા કચેરીના બિલ્ડિંગના બાંધકામની પરમિશન સંબંધિત તમામ કાગળોની નકલ માહિતી અધિકાર અધિનિયમ (આર.ટી.આઇ.) હેઠળ માંગવામાં આવી હતી. જેના જવાબમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે, આ બાબતની માહિતી શૂન્ય છે!
રેકર્ડ ઉપર ઉપલબ્ધ નહી હોવાનું સાબિત
તંત્રના આ જવાબનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે, જે કચેરીમાં બેસીને સમગ્ર શહેરના બાંધકામોને મંજૂરી આપવામાં આવે છે, તે કચેરીના બિલ્ડિંગના બાંધકામની મંજૂરીના કોઈ જ કાગળો મહાનગરપાલિકાના રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. એટલે કે મહાનગરપાલિકાની પોતાની કચેરીનું બાંધકામ ગેરકાયદેસર છે.
ધણી-ધોરી વગરની કચેરી સામે કાર્યવાહી કરો
આ મુદ્દે રોષ વ્યક્ત કરતા દિનેશભાઈ માંડવીયાએ જણાવ્યું કે, ગામ આખાના નાગરિકોને નાના-મોટા બાંધકામ માટે નિયમોના પાઠ ભણાવી નોટિસો આપતું મહાનગરપાલિકાનું તંત્ર અને તેના અધિકારીઓ જ્યાં બેસે છે તે કચેરી જ જો ધણી-ધોરી વગરની અને મંજૂરી વગરની હોય, તો આનાથી મોટી વિડંબના શું હોઈ શકે? જો સામાન્ય નાગરિકનું બાંધકામ ગેરકાયદે હોય તો તંત્ર તાત્કાલિક ડિમોલિશન કરે છે. તો હવે પોતાની ગેરકાયદે કચેરી સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? તેમણે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે અને અપીલમાં જવાની પણ તૈયારી બતાવી છે.આ ઘટનાએ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? જેવી પરિસ્થિતિ ઉભી કરી છે અને શહેરીજનોમાં ભારે ચર્ચા જગાવી છે

રિલેટેડ ન્યૂઝ