પોરબંદરમાં ઉનાળાના અંતે હજુ શિયાળુ પાકની ખરીદી કરતા તંત્રની ઘોર બેદરકારી બહાર આવી: શિવદૂત સંસ્થા દ્વારા થઇ રોષપૂર્ણ રજૂઆત
પોરબંદર સમગ્ર જિલ્લામાં શિયાળુ પાક તરીકે ચણાનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યુ હતુ અને હજુ તેની ખરીદી ચાલી રહી છે. મોટા ભાગના ખેડૂતોને ત્યાં મગનો પાક તૈયાર છે પરંતુ તેની ખરીદી અંગે કોઇપણ કાર્યવાહી થઇ નથી તેથી તેમાં મટકા નામની જીવાત પડે પછી સરકાર જાગશે? તેવો સવાલ ઉઠાવીને શિવદૂત સંસ્થા દ્વારા રજૂઆત થઇ છે.
પોરબંદરના બરડાપંથકમાં ખેડૂતોથી માંડીને વિકલાંગોની મદદ માટે અગ્રેસર સંસ્થા શિવદૂતના પ્રમુખ અર્જુન ગોઢાણીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લામાં હાલ સરકાર દ્વારા ચણાની ખરીદી ચાલી રહી છે. શિયાળુ પાક તરીકે વાવેલા ચણા ઉપાડી લીધા બાદ ઉનાળુ પાકમાં મગનું મબલક વાવેતર થયુ હતુ અને ખેડૂતોના ખેતરમાં મગ તૈયાર છે પરંતુ હજુ સુધી મગની ખરીદી અંગે ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી નથી તેથી અર્જુન ગોઢાણીયાએ એવો સવાલ ઉઠાવ્યો છે કે સરકાર મગની ખરીદી કયારે કરશે? મટકા પડે ત્યારે? કારણકે મગ જેવા પાકમાં મટકાની જીવાત થઇ જતી હોય છે. તેથી સરકારે વહેલીતકે તેની ખરીદીની કાર્યવાહી કરવી જોઇએ તેવી મારી માંગણી છે તેમ ઉમેર્યુ છે.
