136 વર્ષ જૂની લાઈબ્રેરીના વિકાસ કામનું મુખ્યમંત્રી એ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યા બાદ કાર્યવાહી આગળ વધી: વાચકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું
પોરબંદરની ચોપાટી પર આવેલી હેરિટેજ લાઇબ્રેરીને પાંચ કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે.
ગાંધીની જન્મભૂમિ પોરબંદરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી દિશા આપતા અનેક પ્રોજેક્ટ્સ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શહેરની સુંદરતા, સુવિધા અને ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે તે માટે હેરિટેજ સ્ટેટ લાઈબ્રેરી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી રહ્યો છે અને તેનું કામ હાલ પૂરજોશમાં કાર્યરત છે.
4.99 કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ:
મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા તેમજ તેને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા માટે રૂ. 4.99 કરોડના ખર્ચે હેરિટેજ સ્ટેટ લાઈબ્રેરી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયા બાદ હાલ આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
136 વર્ષ જૂનો ગૌરવવંતો ઇતિહાસ
આ સ્ટેટ લાઈબ્રેરી ઈ.સ. 1888માં ગ્રીક આર્કિટેક્ચર શૈલીમાં નિર્માણ પામેલી ઐતિહાસિક ઇમારત છે, જે પોરબંદર શહેરના સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે. તે સમયના વહીવટદાર કર્નલ લેલીના હસ્તે તથા મહારાણા વિકમાતજીની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સૌથી ગૌરવની વાત એ છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિદેશથી પરત ફર્યા બાદ આ લાઈબ્રેરીના ઉપરના માળે આવેલા ટાઉનહોલમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ અનેકગણું વધી જાય છે.
ઐતિહાસિક ટાઉનહોલનું સંવર્ધન
આ પ્રોજેક્ટ અંતર્ગત હાલની સ્ટેટ લાઈબ્રેરી બિલ્ડિંગનું હેરિટેજ ધોરણો મુજબ રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. ઇમારતની મૂળ આર્કિટેક્ચરલ ઓળખ અને સૌંદર્ય જાળવી રાખીને તેમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવાનું આયોજન છે. તેમજ પ્રથમ માળે આવેલા ઐતિહાસિક ટાઉનહોલનું સંવર્ધન અને પુન:નિર્માણ પણ હાથ ધરાઇ રહ્યું છે.
નવી પેઢીને મળશે ભેટ
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાચકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સુવિધાસભર, શાંતિપૂર્ણ અને અદ્યતન અભ્યાસ પરિસર ઉપલબ્ધ થશે. ડિજિટલ લાઈબ્રેરી, ઈ-લર્નિંગ, રીડિંગ રૂમ, સંશોધન કેન્દ્ર જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાશે. આ પહેલ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે નવી પેઢીને જ્ઞાન અને અભ્યાસ માટે ઉત્તમ માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કામગીરી યુદ્ધના ધોરણે
હાલ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે. અનુભવી કારીગરો દ્વારા હેરિટેજ માળખાને અનુરૂપ સચોટ અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં કામ પૂર્ણ થયા બાદ નાગરિકોને ઉત્તમ લાઈબ્રેરી સુવિધાઓનો લાભ મળશે અને શહેરના સાંસ્કૃતિક જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે.
