પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સોમનાથ ખાતે વડાપ્રધાનનું સ્વાગત: મુખ્યમંત્રી હતા ત્યારથી પારિવારીક નાતો હોવાનું જણાવ્યુ
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ સોમનાથ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ. તેમણે અગાઉના પ્રસંગોની તસ્વીર શેર કરીને જુની યાદ પણ તાજી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિવિધ પ્રસંગોએ મળવાનો, તેમનું માર્ગદર્શન મેળવવાનો અને તેમની સાથે સ્મરણીય ક્ષણો વહેંચવાનો અવસર મળવો એ મારા માટે ગૌરવ, પ્રેરણા અને આશીર્વાદ સમાન છે, એમ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
સ્ત્રી સશક્તિકરણના પ્રણેતા
ડો. તિવારીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી માત્ર દેશના લોકપ્રિય નેતા જ નથી, પરંતુ તેઓ સ્ત્રી શક્તિકરણના મજબૂત પ્રણેતા છે. દેશની બહેનો આત્મનિર્ભર બને, નેતૃત્વમાં આગળ આવે અને સમાજ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે, તે માટે તેઓ સતત પ્રોત્સાહન આપી રહ્યા છે.
ભાજપમાં બહેનોને સન્માન
એક સામાન્ય બહેન તરીકે સમાજ અને સંગઠનમાં કાર્ય કરતા મને જે સ્નેહ, વિશ્ર્વાસ અને પ્રેરણા મળી રહી છે, તે દરેક મહિલા કાર્યકર્તા માટે ઉત્સાહ વધારનાર છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં બહેનોને મળતું સન્માન અને મોટી જવાબદારીઓ એ મોદીના દુરંદેશી નેતૃત્વ અને સ્ત્રી શક્તિમાં રહેલા તેમના અતૂટ વિશ્ર્વાસનું પરિણામ છે, એમ તેમણે ઉમેર્યું હતું. ડો. ચેતનાબેન તિવારીએ વધુમાં જણાવ્યું કે, હું મારી જાતને ખરેખર ભાગ્યશાળી માનું છું કે મને આવા વિશ્ર્વવિખ્યાત અને પ્રેરણાદાયી નેતાના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાની તક મળી રહી છે. ચાલો, આપણે સૌ મળીને ‘નારી શક્તિ’ને વધુ મજબૂત બનાવીએ અને બહેનોને સમાજ, રાજકારણ અને વિકાસના દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે સંકલ્પબદ્ધ બનીએ. કારણ કે ‘જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં સમાજ અને રાષ્ટ્રનો વિકાસ નિશ્ર્ચિત બને છે.’
