સાયકલિંગના શોખીનો માટે યોજાશે 100 કિલોમીટરની પરિક્રમા:પોરબંદર સાયકલિંગ ક્લબ અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજન
પોરબંદરના સાયકલિંગના શોખીનો માટે રવિવારે બરડા પરિક્રમા મુન લાઈટ રાઈડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર શહેરના સાહસિક યુવાનો અને ફિટનેસ પ્રેમીઓ માટે આગામી તા.30.5.2026, શનિવારની રાત્રિ યાદગાર બની રહે તેવી બરડા પરિક્રમા મૂનલાઈટ રાઈડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સહયોગથી યોજાનારી આ 100 કિમી લાંબી સાયકલ રાઈડમાં ખેલાડીઓ પુનમના ચંદ્રપ્રકાશમાં રાત્રિ દરમિયાન સાયકલિંગનો અનોખો રોમાંચ માણશે.સાથે જ પર્યાવરણ જાગૃતિ અને ફિટનેસનો સંદેશ પણ આપવામાં આવશે.આ રાઈડનો પ્રારંભ પોરબંદરના પ્રખ્યાત ચોપાટી ગ્રાઉન્ડ ખાતેથી થશે. કાર્યક્રમ મુજબ રિપોર્ટિંગ અને ચેક-ઈન સાંજે 4:30 કલાકે શરૂ થશે જ્યારે ફ્લેગ-ઓફ સાંજે 5:30 કલાકે આપવામાં આવશે. કુલ 100 કિમીની આ રાઈડનો અંત ફરી ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થશે.રાઈડ દરમિયાન ખેલાડીઓ માટે વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દર 25 કિમીના અંતરે રિફ્રેશમેન્ટ અને આરામ માટે અલગ-અલગ સ્ટોપ રાખવામાં આવ્યા છે. 25 કિમી પર ચા-કોફી અને હાઈડ્રેશન સ્ટોપ, 50 કિમી પર ડિનર અને આરામ, 75 કિમી પર તાજા ફળો અને જ્યુસ તેમજ 100 કિમીના ફિનિશિંગ પોઈન્ટ પર પૌઆ, હળવું ભોજન અને ચા-કોફીની વ્યવસ્થા રહેશે.આ ઉપરાંત સમગ્ર રૂટ પર હાઈડ્રેશન સપોર્ટ, વોશરૂમ સુવિધા, મેડિકલ આસિસ્ટન્ટ, સાયકલ મિકેનિક સપોર્ટ અને બેકઅપ વ્હીકલ જેવી વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ રહેશે જેથી રાઈડર્સને સુરક્ષિત અને સુવિધાજનક અનુભવ મળી રહે.આયોજકો દ્વારા દરેક રાઈડર માટે હેલ્મેટ તથા સાયકલ પર લાઈટ ફરજિયાત રાખવામાં આવી છે. રાઈડનો રૂટ પોરબંદરથી શરૂ થઈ રાણાવાવ, બિલેશ્વર, હનુમાન ગઢ, કપુરી નેસ, ભાણવડ ઢેબર અને નાગકા-બખરલા થઈ ફરી પોરબંદર ખાતે પૂર્ણ થશે.ઈવેન્ટમાં ભાગ લેવા માટે મર્યાદિત સ્લોટ્સ ઉપલબ્ધ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રાખવામાં આવ્યું છે. ઈચ્છુક રાઈડર્સ ઓનલાઇન ફોર્મ દ્વારા અથવા જાહેરાતમાં આપવામાં આવેલા કયું.આર કોડ સ્કેન કરીને નોંધણી કરાવી શકશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ફાઉન્ડર ચેરમેન હર્ષિતભાઈ રૂઘાણી, પ્રેસિડેન્ટ ધવલભાઈ રાયચુરા (7575089006), પ્રોજેક્ટ ચેરમેન આકાશભાઈ લાખાણી (96242 84114) તથા કો-પ્રોજેક્ટ ચેરમેન પાર્થભાઈ પટેલ (88662 20061) જહેમત ઉઠાવી રહ્યા છે.
