એસ.ટી. તંત્રએ મુસાફરલક્ષી કરી પહેલ:100 કિલોમીટરથી વધુ અંતરની મુસાફરી માટે થઈ શકશે બુકિંગ:તંત્ર દ્વારા રૂટ થયા જાહેર
પોરબંદર એસ.ટી.ડેપોએ લોકલ બસોમાં પણ હવે બુકિંગની સુવિધા શરૂ કરી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જુનાગઢ વિભાગ હેઠળ કાર્યરત પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા મુસાફરોને વધુ આરામદાયક, સમયબદ્ધ અને આધુનિક મુસાફરીનો અનુભવ મળે તે માટે અનેક મહત્વપૂર્ણ મુસાફરલક્ષી સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે.જાહેર પરિવહન વ્યવસ્થામાં નવી દિશા દર્શાવતી ઐતિહાસિક પહેલરૂપે હવે થી 100 કિમીથી વધુ અંતરની મુસાફરી માટે લોકલ બસોમાં પણ રિઝર્વેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.આ સુવિધા શરૂ થતાં હવે સામાન્ય મુસાફરોને પણ એક્સપ્રેસ બસ જેવી નિશ્ચિત બેઠકનો લાભ મળશે. અગાઉ લાંબા અંતરની મુસાફરી દરમિયાન બેઠક મેળવવા માટે મુસાફરોને બસ સ્ટેશન પર લાંબી રાહ જોવી પડતી અથવા ધક્કામુક્કીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે મુસાફરો પોતાના મોબાઇલ દ્વારા અથવા રિઝર્વેશન કાઉન્ટર પરથી અગાઉથી બેઠક નિશ્ચિત કરી શકશે. પરિણામે મહિલાઓ, વડીલો, બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો, વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા અપ-ડાઉન કરતા કર્મચારીઓ માટે મુસાફરી વધુ સરળ, સુખદ અને તણાવમુક્ત બનશે.જુનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગર તથા વિભાગીય પરિવહન અધિકારી પી.પી.ધામાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જુનાગઢ વિભાગમાં મુસાફરોની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.મુસાફરોને ખાનગી વાહન વ્યવહાર જેવી સુવિધાઓ સરકારી પરિવહનમાં પણ ઉપલબ્ધ થાય તે દિશામાં વિભાગ સતત પ્રયાસરત છે.
હાલમાં પોરબંદર થી જુનાગઢ-25 બસોમાં,પોરબંદર થી જામનગર-9 બસોમાં, પોરબંદર થી રાજકોટ-26 બસોમા,પોરબંદર થી વેરાવળ-28 બસોમાં,પોરબંદર થી સોમનાથ-18 બસોમાં,પોરબંદર થી દ્વારકા-15 બસોમાં,જુનાગઢ થી પોરબંદર-24 બસોમાંજામનગર થી પોરબંદર-9 બસોમાં,રાજકોટ થી પોરબંદર-24 બસોમાં,વેરાવળ થી પોરબંદર-27 બસોમાં,સોમનાથ થી પોરબંદર-15 બસોમાં,દ્વારકા થી પોરબંદર-15 બસોનીરૂટની લોકલ બસોમાં રિઝર્વેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
મુસાફરો હવે તમામ બસ સ્ટેશનની રિઝર્વેશન ઓફિસ ઉપરાંત જી.એસ.આર.ટી.સી.ની મોબાઇલ એપ્લિકેશન અને જી.એસ.આર.ટી.સી.ની વેબસાઇટ મારફતે પણ સરળતાથી રિઝર્વેશન કરાવી શકશે.ડિજિટલ રિઝર્વેશન સુવિધા દ્વારા મુસાફરો પોતાને અનુકૂળ બસ, સમય અને બેઠક પસંદ કરી શકશે, જેના કારણે સમયની બચત સાથે વધુ પારદર્શક સેવા ઉપલબ્ધ બનશે.મુસાફરોની સુરક્ષા અને સમયબદ્ધતા માટે તમામ બસોમાં જી.પી.એસ.સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. હવે દરેક મુસાફર પોતાના મોબાઇલમાં બસનું લાઇવ લોકેશન જોઈ શકશે, જેથી બસ ક્યારે અને ક્યાં સુધી પહોંચી છે તેની ચોક્કસ માહિતી સરળતાથી મળી રહેશે.આ સુવિધા ખાસ કરીને રાત્રિ મુસાફરી અને લાંબા અંતરના પ્રવાસ દરમિયાન મુસાફરો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.આધુનિક ડિજિટલ યુગને ધ્યાનમાં રાખી તમામ બસોમાં યુ.પી.આઈ.પેમેન્ટ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી મુસાફરો હવે રોકડ રકમ વગર પણ સરળતાથી ભાડું ચૂકવી શકે છે. ડિજિટલ વ્યવહારથી પારદર્શિતા અને સરળતા બંનેમાં વધારો થયો છે.હાલની ઉનાળાની સખત ગરમીને ધ્યાનમાં રાખી પોરબંદર બસ સ્ટેશન ખાતે નવા વોટર કુલર તથા આર.ઓ. પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરોને શુદ્ધ અને ઠંડું પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર બસ સ્ટેશન તેમજ બસોની સ્વચ્છતા જાળવવા માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ, વેઇટિંગ એરિયા, ટિકિટ કાઉન્ટર, શૌચાલયો તેમજ બસોના આંતરિક ભાગની નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે ડેપોની ટીમ સતત કાર્યરત છે. સાથે જ મુસાફર જનતાને પણ બસ સ્ટેશન તથા બસોની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.વિધાર્થીઓ અને રોજિંદા અપ-ડાઉન કરતા મુસાફરો માટે પોતાના પાસ જાતે જ કાઢી શકે તેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે સમયની બચત સાથે પ્રક્રિયા વધુ સરળ બની છે. આ તકે વિભાગીય નિયામક વી.બી. ડાંગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,લોકલ બસોમાં રિઝર્વેશન સુવિધાની શરૂઆત સામાન્ય મુસાફરો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. હવે મુસાફરોને બેઠક માટે ઉતાવળ કે ધક્કામુક્કી કરવાની જરૂર નહીં રહે અને પરિવાર સાથે વધુ આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકશે.પોરબંદર એસ.ટી. ડેપો મેનેજર પી.બી. મકવાણા એ જણાવ્યું હતું કે,લોકલ બસોમાં રિઝર્વેશન સુવિધા શરૂ થતાં સમગ્ર જિલ્લામાં મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસાફરો તરફથી પણ આ પહેલને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણી દ્વારા મુસાફર જનતાને બહોળા પ્રમાણમાં લોકલ બસોમાં રિઝર્વેશન કરાવી પોતાની બેઠક નિશ્ચિત કરવા તથા માત્ર જી.એસ.આર.ટી.સી.ની સુરક્ષિત, વિશ્વાસપૂર્ણ અને સુવિધાસભર બસ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
