માધવાણી કોલેજ સામેની સોસાયટીઓ ધણીધોરી વગરની

ત્રણત્રણ મહિનાથી ખોદાઇ ગયેલા રસ્તાના નવીનીકરણ થયા નહી:ચોમાસામાં અકસ્માત થશે તો જવાબદાર કોણ?:ચૂંટણી વખતે બે હાથ જોડી મત માંગવા આવતા ’વિકાસપુરૂષ’ ભાજપના કોર્પોરેટરો ક્યાં થયા ગાયબ? હજારો નાગરિકો નરક યાતના ભોગવવા મજબૂર બન્યા

પોરબંદરમાં માધવાણી કોલેજ સામે ત્રણ-ત્રણ મહિનાથી ખોદાઇ ગયેલા રસ્તાના નવીનીકરણ થયા નથી. તેથી ચોમાસામાં અકસ્માત થાશે તો જવાબદાર કોણ તેવા સવાલ ઉઠવા પામ્યા છે.
વિકાસ… વિકાસ… વિકાસ… ના નારા લગાવી સત્તા પર આવેલી ભાજપની મહાનગરપાલિકાની પોલ ફરી એકવાર ખુલ્લી પડી છે. પોરબંદરની માધવાણી કોલેજ સામે આવેલી અનેક સોસાયટીઓના હજારો રહીશો છેલ્લા ત્રણ મહિનાથી નરકયાતના ભોગવી રહ્યા છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
વરસાદી પાણીના નિકાલ માટે ગટર અને અન્ય સુવિધાઓ વધારવા તેમજ નવા રસ્તા બનાવવાના નામે ત્રણ મહિના પહેલા આખો વિસ્તાર ખોદી નાખવામાં આવ્યો. કામ શરૂ કર્યાને ત્રણ મહિના વીતી ગયા, પણ આજદિન સુધી એક પણ રસ્તો બનાવવામાં આવ્યો નથી. આખો વિસ્તાર ખાડા-ટેકરા અને ધૂળના ગોટેગોટાથી છવાયેલો છે. રાહદારીઓ, વાહનચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને સ્કૂલે જતા બાળકો રોજ જીવના જોખમે અવર-જવર કરવા મજબૂર બન્યા છે.
ચોમાસુ માથે, અકસ્માતનો ભય
હવે ચોમાસુ એકદમ નજીક આવીને ઊભું છે. જો આ ખોદી નાખેલા રસ્તા તાત્કાલિક નહીં બને તો આખો વિસ્તાર કાદવ-કીચડમાં ફેરવાઈ જશે. ખાડાઓમાં પાણી ભરાશે અને નાના-મોટા અકસ્માતો સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. જો કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે તો તેની જવાબદારી કોની? મહાનગરપાલિકાના અધિકારીઓની કે પછી મત લઈને ગાયબ થઈ ગયેલા કોર્પોરેટરોની?
‘વિકાસપુરૂષો’ ક્યાં છે?
સૌથી શરમજનક બાબત એ છે કે, તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણી સમયે આ જ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો બે હાથ જોડીને, ‘વિકાસપુરૂષ’ બનીને મત માંગવા ફરતા હતા. ઘેર -ઘેર જઈને મોટા મોટા વચનો આપી ગયા હતા કે, અમને ચૂંટો, અમે તમારી બધી સમસ્યા દૂર કરી દઈશું. ચૂંટણી જીત્યા બાદ આ ‘વિકાસપુરૂષો’ એવી રીતે ગાયબ થઈ ગયા છે કે જાણે ક્યારેય આ વિસ્તારમાં આવ્યા જ ન હોય.વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે, જે કોર્પોરેટરો મત લઈને જીત્યા છે તેઓ તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લે, લોકોની વ્યથા સાંભળે અને ત્રણ મહિનાથી ખોરંભે પડેલું કામ યુદ્ધના ધોરણે પૂરું કરાવે.
તંત્રની ઘોર બેદરકારી
મહાનગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આજે હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કામ શરૂ કરાવ્યા બાદ તેને પૂરું કરાવવાની જવાબદારી કોની? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કોન્ટ્રાક્ટરને કામ સોંપી દીધા બાદ તંત્ર ઊંઘી ગયું છે કે શું? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ