ચેમ્બર ઓફ કોમર્સના વિવાદનો અંત, ચેરીટી કમિશનરે ચૂંટણી યોજવા આપ્યો આદેશ

મહાશિવરાત્રીના દિવસે લેવાયો હતો કબજો: અરજદારની અરજી અંશત: મંજૂર : 2026-2028ની ટર્મ માટે યોજાશે ચૂંટણી

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રમુખપદને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો હવે અંત આવવાની શક્યતા છે. રાજકોટ ચેરીટી કમિશનર કચેરીના સંયુક્ત ચેરીટી કમિશનર સી.કે. જોષીએ તા. 12/05/2026 ના રોજ મહત્વનો હુકમ જાહેર કરી આગામી એક મહિનાની અંદર ચેમ્બરની ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી જીગ્નેશ કારીયા પ્રમુખ તરીકે સેવા આપતા હતા અને વેપારીઓના પ્રશ્નો ઉકેલતા હતા. દરમિયાન નલિનભાઈ કાનાણીએ ચેરીટી કમિશનરના ચોપડે પોતે પ્રમુખ હોવાનો દાવો રજૂ કર્યો હતો.આ વિવાદે મહાશિવરાત્રીના દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે નલિનભાઈ કાનાણી જૂથ દ્વારા ચેમ્બરનો કબજો લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બંને જૂથ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, પોલીસ દોડી આવી હતી અને મામલો બિચક્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા ચેરીટી કમિશનરે તાત્કાલિક અસરથી ચેમ્બરનો વહીવટ બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ મહિનાઓ સુધી ચેમ્બરની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી અને વેપારીઓના પ્રશ્નો અટવાઈ પડ્યા હતા.
અગાઉ થયેલી
અરજીની સુનાવણી
ચેમ્બરનો વિવાદ તો મહાશિવરાત્રી થી વધુ ઉગ્ર બન્યો હતો પરંતુ તેના બે વર્ષ પહેલાથી જ યોજવામાં આવેલી ચૂંટણીને નલીનભાઈ કાનાણી અને તેમની ટીમે ગેરકાયદેસર ગણાવી હતીઅરજદાર નલિનભાઈ કાનાણી દ્વારા તા. 14/02/2024 ના રોજ ચેરીટી કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર મહિનાઓ સુધી સુનાવણી ચાલી. વારંવાર તારીખો પડતી રહી અને ચેમ્બરનો વિવાદ વધુ ઘેરો બનતો ગયો.
હુકમની મુખ્ય જોગવાઈઓ
ચેરીટી કમિશનરે નલિનભાઈ કાનાણીની તા. 14/02/2024ની અરજી અંશત: મંજૂર રાખી હુકમ કર્યો છે.આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની કલમ-8(ક) મુજબ ચૂંટણી ફરજિયાત કરાવવાની રહેશે.
અદ્યતન સભ્ય યાદી
તા. 15/05/2026 સુધી નવા સભ્યોની અરજીઓ સ્વીકારી 10 દિવસમાં અદ્યતન સભ્યયાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. આ યાદી કાર્યાલયે ઉપલબ્ધ રાખવાની અને માંગણી કર્યેથી સોફ્ટ કોપી આપવાની રહેશે.
30 દિવસમાં સામાન્ય સભા
સભ્ય યાદી પ્રસિદ્ધ થયા બાદ 30 દિવસમાં સામાન્ય સભા બોલાવી તટસ્થ ચૂંટણી અધિકારીની બહુમતીથી નિમણૂક કરવાની રહેશે. ચૂંટણી અધિકારી તથા તેને મદદરૂપ થનાર સભ્યો ઉમેદવારી કરી શકશે નહીં.
હાલનો વહીવટ
ચૂંટણી અધિકારીની નિમણૂક થતાં સુધી હાલના અરજદારો નલીનભાઈ રસિકભાઈ કાનાણી, નિલેશભાઈ શાંતિલાલ રુઘાણી, રાજેશભાઈ નરોતમદાસ બુદ્ધદેવ, મિલનભાઈ કાંતિલાલ કારિયા, સુભાષભાઈ ચંદ્રભૂજભાઈ ઠકરાર, મુકેશભાઈ વ્રજલાલ દતાણી,શ્યામભાઈ બીપીનભાઈ રાયચુરા, ભાવિનભાઈ દુર્લભજીભાઈ કારિયા,દીપેશભાઈ તુલસીદાસ સીમરીયા અને રાજેશભાઈ ધીરજલાલ માંડવીયા એ ટ્રસ્ટનો વહીવટ સંભાળવાનો રહેશે અને હિસાબો નવી ચૂંટાયેલી બોડીને સુપરત કરવાના રહેશે.
ચૂંટણીની ટર્મ
સદર ચૂંટણી વર્ષ 2026 થી 2028 ના સમયગાળા માટે યોજાશે. હવેથી દર વર્ષે ફેબ્રુઆરી માસમાં નિયમિત ચૂંટણી યોજવાની રહેશે.
ચૂંટણી પૂર્ણ થયાના 15 દિવસમાં ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950 ની કલમ-22 મુજબ ફેરફાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
વેપારીઓમાં આશાનું કિરણ
ચેરીટી કમિશનરના આ હુકમ બાદ પોરબંદરના વેપારી આલમમાં ખુશીની લહેર ફરી વળી છે. મહિનાઓથી બંધ પડેલી ચેમ્બરની કામગીરી ફરી ધમધમતી થશે અને વેપારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી આશા બંધાઈ છે. હવે સૌની નજર આગામી એક મહિનામાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા પર મંડાયેલી છે.

રિલેટેડ ન્યૂઝ