સાન્દીપનિ સ્કૂલ ખાતે ધો.10માં 99.20 પી.આર. સાથે શાળામાં મેળવ્યો પ્રથમ ક્રમ:વિજ્ઞાન-સંસ્કૃતમાં 100 માંથી 100, ગણિતમાં 99: મેડિકલ પરિવારની દીકરીએ નીટ કરી ડોક્ટર બનવાનો લીધો સંકલ્પ
પોરબંદરમાં ધોરણ 10 ના પરિણામો જાહેર થયા છે તેમાં રામાનંદી સાધુ સમાજની નિમાવત પરિવારની દીકરીએ સાન્દીપનિ સ્કૂલ ખાતે પ્રથમ ક્રમ મેળવીને અનેરી સિદ્ધિ મેળવતા તેને બિરદાવવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં પોરબંદરની સાન્દીપનિ સ્કૂલની ગુજરાતી માધ્યમની તેજસ્વી વિદ્યાર્થિની સિદ્ધિ જીતેન્દ્રભાઈ નિમાવતે 99.20 પી.આર. સાથે 95 ટકા મેળવીને શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. સિદ્ધિની આ શાનદાર સિદ્ધિ બદલ તેના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
વિષયવાર દમદાર દેખાવ
અત્યંત તેજસ્વી એવી સિદ્ધિએ વિજ્ઞાનમાં 100 માંથી 100, સંસ્કૃતમાં 100 માંથી 100 અને ગણિતમાં 100 માંથી 99 ગુણ મેળવીને પોતાની મહેનતનો પરચો આપ્યો છે. તેની આ સિદ્ધિ પાછળ સતત અભ્યાસ, શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારનો સહયોગ મુખ્ય રહ્યો છે.
મહેનતનું મીઠું ફળ
સિદ્ધિની સફળતા કોઈ રાતોરાત મળેલી નથી. છેલ્લા બે વર્ષથી તેણે ધોરણ 10ના પરિણામને ધ્યાનમાં રાખીને નિયમિત ટાઈમટેબલ બનાવી અભ્યાસ કર્યો હતો. રોજ સવારે 5 વાગ્યે ઊઠીને પહેલા ધ્યાન અને પ્રાર્થના, ત્યારબાદ શાળાએ જતા પહેલા 2 કલાકનો સ્વાધ્યાય એ તેનો નિત્યક્રમ હતો. શાળાએથી આવ્યા બાદ થોડો આરામ કરી ફરી સાંજે 6 થી રાત્રે 10 સુધી એકાગ્રતાથી વાંચન કરતી. મોબાઈલ અને ટી.વી.નો ઉપયોગ તેણે પોતે જ નિયંત્રિત કરી દીધો હતો.
સંસ્કૃતમાં રસ અને
વિજ્ઞાનમાં જિજ્ઞાસા
સિદ્ધિને સંસ્કૃત ભાષા પ્રત્યે વિશેષ લગાવ છે. શ્ર્લોકો અને સુભાષિતો તેને મોઢે છે. શાળાના સંસ્કૃત શિક્ષક કહે છે કે, સિદ્ધિ વર્ગમાં હંમેશા પ્રશ્ર્નો પૂછે, શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી જંપે નહીં. વિજ્ઞાનમાં 100 ગુણ મેળવવા પાછળ પણ તેની પ્રયોગશીલ વૃત્તિ જવાબદાર છે. શાળાની લેબમાં દરેક પ્રયોગ તે પોતે જાતે કરવા આગ્રહ રાખતી અને ઘરે આવીને પિતા જીતેન્દ્રભાઈ સાથે વિજ્ઞાનની ચર્ચા કરતી. પિતા લેબ ટેકનિશિયન હોવાથી ઘરનું વાતાવરણ જ વૈજ્ઞાનિક રહેતું.
ગણિતનો અભિગમ
ગણિતમાં 99 ગુણ મેળવનાર સિદ્ધિ માને છે કે, ગણિત ડરવાનો નહીં, પણ રમવાનો વિષય છે. દાખલા ગણતી વખતે જો કોઈ ભૂલ પડે તો તે રડતી નહીં, પણ એ જ દાખલો ફરી 3 વાર ગણે. તેના ગણિતના શિક્ષક કહે છે કે, સિદ્ધિએ આખા વર્ષમાં એક પણ હોમવર્ક બાકી રાખ્યું નથી અને દરેક ટેસ્ટમાં તેની ઉત્તરવહીમાં સ્વચ્છતા અને ચોકસાઈ દેખાતી. પરીક્ષાના આગલા દિવસે પણ તે તણાવમાં આવવાને બદલે ભગવદ્ ગીતાનો પાઠ કરી શાંતિથી સૂઈ જતી.
શિસ્ત અને સંસ્કારનો સમન્વય
સિદ્ધિ માત્ર ભણવામાં જ નહીં, શિસ્ત અને સંસ્કારમાં પણ અવ્વલ છે. પ્રાર્થનામાં નિયમિત, સહઅભ્યાસુઓને મદદરૂપ અને ગુરૂજનો પ્રત્યે આદરભાવ એ તેની ખાસિયત છે. રમેશભાઈ ઓઝાના સંસ્કારો તેનામાં સ્પષ્ટ દેખાય છે. સિદ્ધિ દર રવિવારે સાન્દીપનિમાં ચાલતા સંસ્કાર વર્ગમાં પણ નિયમિત જતી અને ત્યાંથી મળતા જીવનમૂલ્યોને પોતાના અભ્યાસમાં ઉતારતી.
મેડિકલ પરિવારની ત્રીજી પેઢી
સિદ્ધિએ પોતાની સફળતાનો શ્રેય પરિવારજનોને આપતા જણાવ્યું હતું કે, મારા દાદા સ્વ. મહેન્દ્રભાઈ વલ્લભદાસ નિમાવત, જેઓ પોરબંદરની મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલમાં એક્સ-રે ટેકનિશિયન હતા, તેમના અંતરિક્ષમાંથી આશીર્વાદ વરસી રહ્યા છે. તેના પિતા જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નિમાવત ડો. કલ્પિત પરમારની આનંદ હોસ્પિટલ ખાતે લેબ ટેકનીશીયન તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે કાકા જયેશભાઈ મહેન્દ્રભાઈ નિમાવત શહેરના જાણીતા ક્રિટિકલ કેર યુનિટના ડો. કમલ મહેતા સાથે ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આમ, પરિવારના સભ્યો મેડિકલ લાઈન સાથે સંકળાયેલા હોવાથી સિદ્ધિએ પણ ધોરણ 10 પછી પાસ કરીને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિર્ધાર કર્યો છે.
પરિવારનો અવિરત સહયોગ
સિદ્ધિએ પોતાની સફળતા માટે શિક્ષકો ઉપરાંત દાદીમા સગુણાબેન, પિતા જીતેન્દ્રભાઈ, માતા કીર્તીબેન, કાકા જયેશભાઈ, કાકી મનિષાબેન, તથા ભાઈ તનય અને બહેનો હસ્તી અને હેત્વીનો ખૂબ જ સારો સહકાર મળ્યાનું જણાવ્યું હતું. માતા કીર્તીબેને પરીક્ષા દરમિયાન તેના ખાવા-પીવાનું, આરામનું ખાસ ધ્યાન રાખ્યું હતું. જ્યારે નાના ભાઈ-બહેનોએ પણ દીદી ભણે ત્યારે શાંતિ જાળવીને સહયોગ આપ્યો હતો.
રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પ્રેરિત અને નિર્મિત સાન્દીપનિ સ્કૂલની આ વિદ્યાર્થિનીએ નિમાવત પરિવારનું નામ રોશન કર્યું છે. સિદ્ધિની આ સિદ્ધિને પોરબંદરવાસીઓએ બિરદાવી છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
