ઉદ્યોગનગર વિસ્તારમાં ચાલુ દિવસે શટડાઉનનો વિરોધ

જાગૃત નાગરિકે શુક્રવારના શટડાઉનને રદ કરીને રજાના દિવસોમાં કામગીરી કરવા વીજતંત્રને પાઠવ્યુ આવેદન: ઉદ્યોગગૃહોને થશે ભારે નુકશાન

પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં શુક્રવારે ચાલુ દિવસે શટડાઉન જાહેર કરવામાં આવ્યુ છે જેનાથી ઉદ્યોગોને મોટુ નુકશાન થશે તેમ જણાવીને જાગૃત નાગરિકે રજાના દિવસોમાં કામગીરી કરવા રજૂઆત કરી છે.
પોબંદરના અજય લોઢારી દ્વારા જણાવાયુ છે કે જેટકો બોખીરા ડીવીઝન હેઠળ આવતા પોરબંદર ઉદ્યોગ નગર ડિવિઝન વિસ્તારમાં આગામી 15-05-2026 ના રોજ કામકાજના દિવસે એસ.એસ. શટડાઉનનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતાં ઉદ્યોગકારો અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. આ સંદર્ભે અગ્રણી ઉદ્યોગપતિ અજય લોઢારી દ્વારા પી.જી.વી.સી.એલ.ના અધિકારીને લેખિત રજૂઆત કરી કામકાજના દિવસે શટડાઉન ટાળવા માંગ કરવામાં આવી છે.
શું છે રજૂઆત?
કામકાજના દિવસોમાં અચાનક અથવા દિવસ દરમિયાન વીજ શટડાઉન લેવામાં આવે તો ઉદ્યોગો, વર્કશોપ, ઓફિસો અને વ્યાવસાયિક સંસ્થાઓને ભારે આર્થિક નુકસાન અને કામગીરીમાં વિક્ષેપ પડે છે. ઘણા ઔદ્યોગિક એકમો મશીનરી અને ઉત્પાદન માટે સંપૂર્ણપણે સતત વીજ પુરવઠા પર આધારિત છે.પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે દિવસના સમયે શટડાઉનથી કામદારો તેમજ ગ્રાહકોને ભારે અગવડતા પડે છે. ઉત્પાદન ખોરવાય છે અને વેપારને અસર પહોંચે છે.તેથી વિનમ્ર વિનંતી કરવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી આવા મરામતના શટડાઉન રવિવાર, જાહેર રજાના દિવસે અથવા કામકાજના કલાકો સિવાયના સમયે આયોજિત કરવામાં આવે. જેથી ઔદ્યોગિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિને અસર ન પહોંચે.આપ અમારી આ રજૂઆતને સકારાત્મક રીતે ધ્યાને લઈ વિસ્તારના તમામ ગ્રાહકો અને ઉદ્યોગોના હિતમાં જરૂરી કાર્યવાહી કરશો.

રિલેટેડ ન્યૂઝ