ગણતરીની મિનિટોમાં સફળ રેસ્ક્યૂ ઓપરેશન:પોરબંદર ફાયર ટીમની સમયસૂચકતા
પોરબંદરના જ્યુબેલી પુલ પરથી એક યુવાન પાણીમાં પડી જતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો
પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગે ફરી એક વખત માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંજે અંદાજે 4:00 વાગ્યાના અરસામાં શહેરના જયુબેલી પુલ નીચે એક યુવાન અચાનક પાણીના પ્રવાહમાં પડી ગયો હતો. આ યુવાન આત્મહત્યા કરવાના ઇરાદે પડી ગયો હતો કે કેમ ?તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે
ઘટનાને નિહાળતા જાગૃત નાગરિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી જાણ કરી હતી. 112 હેલ્પલાઇન દ્વારા માહિતી મળતા જ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારી અભય મહેતા અને તેમની ટીમ જરૂરી રેસ્ક્યૂ સાધનો સાથે તુરંત ઘટના સ્થળે દોડી પહોંચી હતી.
ગણતરીની મિનિટોમાં રેસ્ક્યૂ
સ્થળ ઉપર પહોંચેલી ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી પાણીમાં પડેલા યુવાન સુધી પહોંચવા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ ખૂબ જ કુશળતાથી કામગીરી કરી યુવાનને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મોટી દુર્ઘટના ટળી
સમયસર મળેલી મદદ, 112 હેલ્પલાઈનની સતર્કતા અને ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે એક અમૂલ્ય જીવ બચી શક્યો હતો. જો થોડો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક લોકોમાં ફાયર વિભાગની ઝડપી અને કુશળ કામગીરી પ્રત્યે પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા ફાયર વિભાગની આ કામગીરી અન્ય વિભાગો માટે પણ પ્રેરણારૂપ બની રહે તેમ છે.
