વિદ્યાર્થીઓની જિંદગી સાથે ચેડા કરવાનું બંધ કરવા થઇ અપીલ: મહિલા દ્વારા થઇ રોષપૂર્ણ રજૂઆત
નીટની પરીક્ષા રદ થવાથી પોરબંદરમાં પણ આક્રોશ દેખાયો છે અને મહિલા દ્વારા તે અંગે રોષ વ્યકત કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પોરબંદરના વર્ષાબેન આર. પંચમીયા દ્વારા થયેલી રજૂઆતમાં જણાવાયુછે કે હાલમાં આખા દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે -2026 નીટ યુ.જી. પરીક્ષાનું પેપર ફૂટી ગયું. થોડાક દિવસ બધે મોટી મોટી વાતો ચાલશે આંદોલનો થશે. પાછુ બધુ એને એજ. ‘નવા નાકે દિવાળી’ દેશના અભણ અંગુઠાછાપ નેતાઓને શું ખબર પડે કે બે વર્ષથી રાત -દિવસ એક કરી લાખો વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે. આ પરીક્ષા સાથે તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સપના જોડાયેલા હોય છે. બાળકોની સાથે વાલીઓ પણ અનેક આર્થિક અને માનસિક મુશ્કેલી ઓનો સામનો કરે છે. કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. જો કોઇ મંત્રીનું એકનું એક સંતાન આત્મહત્યા કરે તો જ તેને ખબર પડે કે બાકીના મા-બાપ પર શું વીતતી હશે? માત્ર નીટનું પેપર નથી ફુટયુ દેશવાસીઓના ભાગ્ય ફૂટી ગયા છે. કે ભારત જેવા મહાન દેશમાં આવા ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં શાસન છે. વિદ્યાર્થી તો દેશનું ભવિષ્ય છે. વિકાસની મોટી મોટી વાતો કરનારા નેતાઓ જ દેશનો વિનાશ કરે છે. શું આ પ્રશ્ર્નનો કાયમી ઉપાય નથી? આખા દેશમાં એક સાથે એક જ પરીક્ષા લેવાની ત્રેવડ ન હોય તો દેરક રાજ્યની પોતપોતાની અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા હોવી જોઇએ. ભ્રષ્ટાચારી નેતાઓને એવી ભયંકર સજા મળવી જોઇએ કે જેથી બીજીવાર વિદ્યાર્થીની જિંદગી સાથે ચેડા કરવાનું કોઇ નેતા વિચારી પણ ન શકે. ખરેખર તો દેશનું બંધારણ પાયામાંથી સુધારવાની જરૂર છે. જે નેતા અભણ અને ગુનેગાર હોય તેને ચૂંટણી લડવાનો હક જ ન હોવો જોઇએ. દેશવાસીઓ જાગો પહેલા અંગ્રેજોની ગુલામી કરી હવે નેતાઓની ગુલામી કરવાનું બંધ કરો. દેશને સાચા અર્થમાં આઝાદી કયારે મળશે? એમ વર્ષાબેન આર. પંચમીયાએ રજુઆત કરી છે.
