આદિત્યાણા ગામે પ્રેમલગ્ન કરનાર યુવાન ઉપર પડોશી દંપતીએ કર્યો હુમલો

લાકડી, પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવતા નોંધાયો ગુન્હો

આદિત્યાણા ગામે પ્રેમલગ્ન કરનાર યુવાન ઉપર પડોશી દંપતીએ હુમલો કર્યો હતો અને લાકડી, પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવતા ગુન્હો નોંધાયો છે.
આદિત્યાણા ગામે બાયપાસ રોડ પર પાણીના ટાંકા પાસે રહેતા અને તેના મિત્રની રીક્ષામાં ડ્રાયવર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા સુરેશ સામત ખરા નામના 25 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે માહી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને સંયુકત કુટુંબમાં રહે છે. ગઇકાલે ફરીયાદી સુરેશ અને તેની પત્ની માહી તથા માતા જયાબેન સહિત પરિવારજનો ઘરે હતા ત્યારે 11 વાગ્યે બાજુમાં રહેતી દક્ષા જગદીશ બગડા ત્યાં આવીને ગાળો બોલવા લાગી હતી અને ‘તે શું કામ માહી સાથે પ્રેમલગ્ન કરેલા છે?’ તેમ પૂછતા ફરીયાદી સુરેશે ‘તમને શું વાંધો છે?’ તેમ જવાબ આપ્યો હતો. આથી દક્ષાબેને તેના પતિ જગદીશ ઉર્ફે સુકા કારા બગડાને ફોન કરીને બોલાવ્યો હતો અને બંનેએ પોતાના ઘરમાંથી લાકડી, પાઇપ લઇ આવ્યા હતા. દક્ષા લાકડી અને જગદીશ પાઇપ લઇને આવ્યો હતો અને ફરીયાદીને આડેધડ માર મારવા લાગ્યા હતા. ફરીયાદીના પરિવારજનો વચ્ચે પડતા તેઓ જવા લાગ્યા હતા અને જતા જતા હત્યાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ફરીયાદીને લોહી નીકળતા હોવાથી પોલીસને 112માં અને એમ્બ્યુલન્સને 108માં ફોન કર્યા હતા અને રાણાવાવના સરકારી દવાખાને સારવાર માટે દાખલ થયો હતો અને ત્યારબાદ તેણે પડોશી દક્ષા જગદીશ અને તેના પતિ જગદીશ ઉર્ફે સુકા કારા સામે ફરીયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ