મોકર ગામની મહિલાને 108માં કરાવવામાં આવી પ્રસુતિ

રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખીને થઈ કાર્યવાહી: તંદુરસ્ત બાળકીને આપ્યો જન્મ

બાપોદર 108 ની ટીમે મોકર ગામની મહિલાને 108 વાનમાં પ્રસુતિ કરાવી હતી.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકર ગામ ખાતે 108 ઇમરજન્સી સેવા ટીમે સમય સુચકતા, કુશળતા અને મળેલી તાલીમના આધારે પ્રસૂતા મહિલાની રસ્તામાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત પુત્રીના જીવ સુરક્ષિત રાખ્યા હોવાની માનવતાભરી ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, બીજી વખત ગર્ભવતી રહેલી એક મહિલાને અચાનક જ પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.જાણ મળતા જ 108 ની ટીમ તાત્કાલિક મોકર ગામે પહોંચી હતી.પરંતુ મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવા તેમજ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પૂરતો સમય ન હોવાને કારણે 108 ના ઈ.એમ.ટી. આફતાબભાઈ બિલ્લી અને પાયલોટ હરેશભાઈ ગોસિયાએ પોતાની આવડત, સમયસૂચકતા અને મળેલી વિશેષ તાલીમનો ઉપયોગ કરી રસ્તામાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.પ્રસૂતિ દરમિયાન મહિલાએ સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો હતો.પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકીની એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર કામગીરી દરમિયાન 108 ટીમની સતર્કતા અને સેવા ભાવનાને પરિવારજનો તેમજ સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.
પુત્રીના જન્મના આનંદ પ્રસંગે ઈ.એમ.ટી. આફતાબભાઈ બિલ્લી તથા બાપોદર 108 ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કસોટે આકાશ તેમજ જિલ્લા મેનેજર ઈ.એમ.ઈ. યાદવ દર્શક દ્વારા પણ 108 ટીમની કામગીરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે,108 ઇમરજન્સી સેવા આજના આધુનિક સમયમાં લોકો માટે જીવનદાયી અને અત્યંત મહત્વપૂર્ણ સેવા બની રહી છે.

રિલેટેડ ન્યૂઝ