બેફામ સ્પીડે દોડતા વાહનોને લીધે અનેક અકસ્માતો સર્જાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યુ જાહેરનામુ: વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા આપવામાં આવી સૂચના: નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે થશે કાયદેસરની કાર્યવાહી
પોરબંદરમાં દિવસના સમયે ભારે વાહનોને એન્ટ્રી અપાશે નહી, જાહેરનામાના નિયમન માટે ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોરબંદર શહેરમાં અનેકવિધ અકસ્માતો સર્જાયા બાદ ભારે વાહનોને દિવસ દરમ્યાન શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને તે અંગેશહેરમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો નિવારવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી. ધાનાણી, દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.તેની ચુસ્ત અમલવારી પણ આજથી શરુ થઇ છે.
શું છે જાહેરનામું?
તા. 16/05/2026 થી પોરબંદર શહેરમાં સવારના 08:00 કલાકથી રાત્રિના 08:00 કલાક સુધી ટ્રક, ટ્રેલર, પેટ્રોલ-ડીઝલના ટેન્કર, પ્રાઈવેટ લક્ઝરી બસો તથા પ્રાઈવેટ મિનીબસો જેવા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાત્રિના 08:00 થી સવારના 08:00 સુધી અવર-જવર ચાલુ રહેશે.
કયા રૂટ પર કેવી વ્યવસ્થા?
દ્વારકા-સોમનાથથી પોરબંદર આવતા વાહનો ચોપડર બાયપાસ, દાઈમીના દેશી ભાઠા હોટલ પાસેથી બિરલા ફેક્ટરી (વીર ભનુની ખાંભી) સુધી આવી શકશે. આગળ શહેરમાં પ્રવેશ નહીં. વૈકલ્પિક રૂટ: દ્વારકા નેશનલ હાઈવે, ત્રણ માઈલ, બોખીરા, ચુનાની ભઠ્ઠી થઈ જ્યુબેલી ચાર રસ્તાથી ઉદ્યોગનગર આશાપુરા ચોક જી.આઇ.ડી.સી. સુધી જઈ શકાશે. પોરબંદરથી સોમનાથ જતા વાહનોએ ચુનાના ભઠ્ઠાથી ઉદ્યોગનગર જી.આઇ.ડી.સી. આશાપુરા, જ્યુબેલી ચાર રસ્તા, બોખીરા, ત્રણ માઈલ થઈ રોકડિયા હનુમાન મંદિરથી ઓવરબ્રિજો ઉપયોગ કરવાનો રહેશે.
શહેરમાં સંપૂર્ણ પ્રતિબંધ
નરસંગ ટેકરી ઓવરબ્રિજ, જ્યુબેલી ચાર રસ્તા, વીર ભનુની ખાંભીથી તમામ ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશબંધી છે.
કડક અમલવારી માટે
પોલીસ બંદોબસ્ત
જાહેરનામાના ચુસ્ત અમલ માટે વીર ભનુની ખાંભી, કમલાબાગ સર્કલ, નરસંગ ટેકરી, નરસંગ ટેકરી ઓવરબ્રિજ, જ્યુબેલી સર્કલ સહિતના જરૂરી પોઈન્ટ પર પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ટ્રાફિક નિયમનની ફરજમાં મૂકવામાં આવ્યા છે.
પ્રતિબંધમાંથી મુક્તિ
એસ.ટી. નિગમની બસો, ખાનગી સ્કૂલોની વિદ્યાર્થી બસો, સરકારી વાહનો, ફાયર-એમ્બ્યુલન્સ, શબવાહિની, મહાનગરપાલિકાના વાહનો તથા બહારના જિલ્લા/રાજ્યમાંથી આવતા પર્યટક વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ સજાને પાત્ર થશે. હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને કાર્યવાહી માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
