આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક વખત ઉચ્ચ કક્ષાએ પાઠવાયુ આવેદન: વહેલી તકે સ્થાનિક રહેવાસીઓની સુવિધા અર્થે નિરાકરણ લાવવા કરી માંગ
પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવેલ ટોલનાકુ દૂર કરવા અથવા સ્થાનિક રહેવાસીઓને ટોલ માફ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ થઈ છે.
પોરબંદર શહેર કાગળ પર તો મહાનગરપાલિકા બની ગયું અને એની સરહદો પણ લંબાઈ ગઈ, પણ નવાઈની વાત એ છે કે આ વનાણા ટોલ નાકા વાળાને હજી સુધી કોઈએ કીધું જ નથી કે તેઓ કાયદેસર રીતે સિટીની અંદર આવી ગયા છે!” – આ શબ્દો સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) અને કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂભાઈ ઓડેદરાએ વનાણા ટોલ નાકા પર ચાલતી ગેરકાયદેસર વસૂલાત અને તંત્રની લાપરવાઈ સામે ધારદાર પ્રહાર કર્યો છે.
તેમણે કાયદાના રક્ષકો સામે સવાલો ઉઠાવતા પ્રેસ સમક્ષ જણાવ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી નો નિયમ એકદમ સાદો અને સ્પષ્ટ છે કે કોઈ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકાની હદની અંદર ટોલ નાકું હોઈ જ ન શકે. જો સામાન્ય માણસ હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય કે કોઈ નાનો નિયમ તોડે તો આપણું પ્રશાસન દંડો લઈને ઉભું થઈ જાય છે, તો પછી કાયદાના સરેઆમ ધજાગરા ઉડાવતી આ અબજો રૂપિયાની ટોલ કંપની સામે આખું તંત્ર કેમ આંખો બંધ કરીને બેઠું છે?
પ્રેસ સમક્ષ રજૂ કરાયેલા મુખ્ય અને ધારદાર મુદ્દાઓ:
પોતાના જ ઘરમાં
ખંડણી ક્યાં સુધી?
પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક છે. આસપાસના વિસ્તારના ગરીબ ખેડૂતો જ્યારે રાત-દિવસ લોહી-પાણી એક કરીને માર્કેટ યાર્ડે માલ વેચવા જાય, નોકરિયાતો અપડાઉન કરે કે કોઈ દર્દી સિવિલ હોસ્પિટલે દવા લેવા જાય, ત્યારે વનાણા પોગીને ફરજિયાત ખિસ્સા ખાલી કરવા પડે છે. પોતાના જ જિલ્લામાં જવા માટે આ પ્રકારનો હપ્તો આપવો પડે તે ક્યા પ્રકારનો વહીવટ છે?
તંત્રની કુંભકર્ણ નિદ્રા
આ ટોલ નાકું છે કે પ્રજાને લૂંટવાનો સત્તાવાર અડ્ડો? વહીવટી તંત્ર બધું જ જાણતું હોવા છતાં કુંભકર્ણની નિદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે, જે સીધેસીધી ટોલ કંપની સાથેની મિલીભગત હોવાની શંકા જન્માવે છે. આ ગાંધી અને સુદામાની પવિત્ર ભૂમિ છે, અહીં આવી ઉઘાડી લૂંટ લાંબો સમય નહીં ચલાવી લેવાય.
આરપારની લડાઈની
ખુલ્લી ચીમકી
મેરૂભાઈ ઓડેદરાએ સોંસરવા શબ્દોમાં વહીવટી તંત્રને ચેતવણી આપતા કહ્યું છે કે, જો આ વનાણા ટોલ નાકાને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની હદમાંથી બહાર ખસેડવામાં નહીં આવે અથવા જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી પોરબંદર પાસિંગ ધરાવતી તમામ સ્થાનિક ગાડીઓ (ૠઉં-25) અને આસપાસના ગ્રામીણ વિસ્તારના વાહનો માટે ટોલ તદ્દન મફત જાહેર કરવામાં નહીં આવે, તો હવે વિનંતીઓ કરવાનો સમય પૂરો થઈ ગયો છે. આગામી દિવસોમાં હજારો પીડિત નાગરિકો અને ખેડૂતોને સાથે રાખીને વનાણા ટોલ નાકાની કાયદાકીય તાળાબંધી કરવામાં આવશે અને ઉગ્ર જન-આંદોલન કરીને ચક્કાજામ કરી દેવાશે, જેની તમામ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી શાસન તેમજ પ્રશાસનની રહેશે.
