ધરતીપુત્રોને પારાવાર પરેશાની વેઠવી પડતી હોવાથી શિવદૂત સંસ્થા દ્વારા થઇ આક્રોશપૂર્ણ રજૂઆત: બેન્કના ખાડે ગયેલા વહીવટને લીધે પેનલ્ટી ભરવાનો ખેડૂતને આવ્યો વારો: બગવદર અને ખાંભોદર વિસ્તારમાં દેખાયો રોષ
ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી લોકો અવારનવાર લાઇનમાં આવે છે પછી તે લાઇન નોટબંધી સમયની હોય કે કોરોના સમયે ઓકસીજનના બાટલાની પરંતુ હવે તો હદ થઇ ગઇ હોય તેમ પોરબંદરના બરડા વિસ્તારના ખેડૂતોને પેટ્રોલ ડીઝલ મેળવવા માટે પંપમાં લાઇનમાં ઉભવુ પડે છે તો બેન્કમાં પાકવીમાની કામગીરી માટે લાઇનો લાગી છે તેમ જણાવીને શિવદૂત સંસ્થા દ્વારા આક્રોશપૂર્ણ રજૂઆત થઇ છે.
પેટ્રોલ ડીઝલનો પ્રશ્ર્ન
પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી એ.સી. ઓફિસમાં બેઠા બેઠા કોલર ઉંચો કરીને સબ સલામતના ગાણા ગાઇ રહ્યા છે પરંતુ પોરબંદરના બરડા પંથકના બગવદર અને ખાંભોદર સહિતના પેટ્રોલપંપો ઉપર લોકોની લાઇનો લાગી છે. માત્ર 20 લીટર ડીઝલ મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભવુ પડે છે. તેમ જણાવીને શિવદૂત સંસ્થાના પ્રમુખ અર્જુૃન ગોઢાણીયાએ રજૂઆત કરતા જણાવ્યુ છે કે પેટ્રોલ અને ડીઝલ જેવી પાયાની જરૂરિયાત પણ ભાજપ સરકાર સંતોષી શકે તેમ ન હોય તો નેતાઓએ તેમના ફિઝુલ ખર્ચા બંધ કરવા જોઇએ. તેમણે જણાવ્યુ છે કે ગ્રામ્ય પંથકમાં મોટા પ્રમાણમાં ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વધુ માત્રામાં ડીઝલ જોઇએ છે પરંતુ માત્ર 20 લીટર જ આપવામાં આવે છે અને તેમાં પણ કલાકો સુધી લાઇનમાં રાહ જોવી પડે છે. વિકાસની વાતો કરતી ભાજપ સરકારના નેતાઓને ડીઝલ પંપ અને પેટ્રોલપંપ ઉપર લાઇનમાં ઉભા રાખવામાં આવે તો જ તેઓ લોકોની પરિસ્થિતિને સમજી શકશે. તેમ જણાવીને અર્જુન ગોઢાણીયાએ પોરબંદર જિલ્લા પુરવઠા વિભાગની બેદરકારી અને નેતાઓની નિષ્ફળતા વિષે ટકોર કરીને આકરા પ્રહાર કર્યા હતા.
બેન્કનો પ્રશ્ર્ન
વધુમા અર્જુન ગોઢાણીયાએ ઉમેર્યુ છે કે બગવદર અને ખાંભોદર ગામે બેન્કમાં પણ ખેડૂતોની લાઇનો જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યાજ ફ્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મળતી 7% વ્યાજ રાહતના ક્લેમ સમયસર જમા ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી છે. આ મુદ્દે શિવ દૂત સંસ્થાના પ્રમુખ અર્જુન ગોઢાણીયા એ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી સરકારનું ધ્યાન દોર્યું છે.ગોઢાણીયાએ રજૂઆતમાં જણાવ્યું કે, કે.સી.સી. માં 3 લાખ સુધીની લોન પર 7% વ્યાજ લાગે છે. સમયસર ભરપાઈ કરનાર ખેડૂતને કેન્દ્ર સરકાર 3% અને ગુજરાત સરકાર 4% એમ કુલ 7% રાહત આપે છે. પરંતુ કેન્દ્રનો 3% ક્લેમ જમા થઈ જાય છે, જ્યારે રાજ્ય સરકારનો 4% ક્લેમ ગયા વર્ષથી બાકી છે. જેના કારણે ખેડૂતના ખાતામાં પૂરું 21,000 રૂપિયા વ્યાજ દેખાય છે અને બેંક તેની માંગણી કરે છે.તેમણે આક્ષેપ કર્યો કે, ખેડૂતોને એમ લાગે છે કે ’વ્યાજ ફ્રી’ યોજના માત્ર લોલીપોપ છે. ગયા વર્ષનું વ્યાજ જમા થયા વિના આ વર્ષે ફરી લોન લેવા જાય ત્યારે જૂનું વ્યાજ નવી લોનમાં ચડી જાય છે. બેંક કહે છે ’સરકારે ક્લેમ નથી આપ્યો’ અને ખેડૂત મૂંઝાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતને ન્યાય કોણ અપાવશે?શિવ દૂત સંસ્થા દ્વારા રાજ્ય સરકારને તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે, ગયા વર્ષના તમામ પેન્ડિંગ 4% વ્યાજ રાહતના ક્લેમ તાકીદે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. સાથે જ બેંકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે ક્લેમ જમા ન થાય ત્યાં સુધી ખેડૂતો પાસે વ્યાજની ઉઘરાણી ન કરવામાં આવે. જેથી વ્યાજ ફ્રી યોજનાનો સાચો લાભ ખેડૂતને મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
