અજાણ્યા ચાલક સામે નોંધાયો ગુન્હો: કડીયાપ્લોટનો યુવાન સ્કૂટરમાં વોડકાની બાર બોટલ લઇ જતા ઝડપાયા બાદ માલ આપનાર વીંઝરાણા ગામના સપ્લાયર સામે પણ ગુન્હો થયો દાખલ
મીલપરાના લાડવા ડેલા સામે કારમાંથી વિદેશી દારૂની 24 બોટલ મળી આવતા અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધાયો છે તે ઉપરાંત કડીયાપ્લોટનો યુવાન સ્કૂટરમાં વોડકાની બાર બોટલ લઇ જતા ઝડપાયા બાદ માલ આપનાર વીંઝરાણા ગામના સપ્લાયર સામે પણ ગુન્હો દાખલ થયો છે.
કારમાંથી દારૂ મળ્યો
પોરબંદરના મીલપરા શેરી નં1માં લાડવા ડેલાની સામેની ગલીમાં રહેતા કારાભાઇ મુચ્છારના ઘર પાસે એક કાર પડી હતી. એ કારમાં પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂા. 15,600ની મળી હતી તેથી 1,50,000ની કાર અને દારૂ કબ્જે કરીને પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
મોપેડમાં દારૂની હેરાફેરી
પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 6માં રહેતા રાહુલ કારા કારાવદરાને સ્કૂટરમાં 7800 રૂા.ની વોડકાની 12 બોટલ સાથે મહારાણા મીલની ચાલીવાળા રોડ પર હનુમાન મંદિર સામેથી પકડી લીધો હતો અને તેની પૂછપરછ કરવામાં આવતા દારૂનો આ જથ્થો તેણે વીંઝરાણા ગામ પાસે રહેતા સુદા બાઘા કોડીયાતર પાસેથી લીધો હોવાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
બે મહિલા સહિત ચાર શખ્શો પાસેથી મળ્યો દેશી દારૂ
ખાપટ નાગદેવતાના મંદિર પાસે રહેતી પાયલ મનસુખ વાઘેલા પાસેથી 1600 રૂા.નો દારૂ મળતા સવારે પોલીસમથકે હાજર થવા સૂચના અપાઇ હતી. મૂળ વિસાવદર કાબરાના કાંઠે તથા હાલ નવાગઢ જેતપુર ખાતે રહેતા સાજણ દુર્લભ પરમારને 800 રૂા.ના દારૂ સાથે કુતિયાણા ચુનારીવાસ જતા રસ્તેથી પકડી પાડવામાં આવ્યો હતો. ભાવપરા ગામે ખાણના પાટીયા પાસે રહેતા બાબુ સામત ઓડેદરાને મીયાણી ગામે બ્રહ્માજી મંદિર વાળા રસ્તેથી 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. સુભાષનગરના આનંદ હોલ પાસે રહેતા દીવાળીબેન વરજાંગ ચામડીયાના મકાનમાંથી 1200 રૂા.નો દારૂ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
