એ.આઈ. થી આજના આધુનિક યુગના સ્માર્ટ વિદ્યાર્થીઓ બને છે વધુ સ્માર્ટ

ગોઢાણીયા બી.સી.એ.કોલેજ ખાતે એ.આઈ.આધારિત સ્માર્ટ કોડિંગ અને અભ્યાસ સહાયક સિસ્ટમનું નિર્માણ કરનાર અધ્યાપકોનું થયું સન્માન

પોરબંદરની ગોઢાણીયા બી.સી.એ.કોલેજમાં એ.આઈ.વિષયક સ્માર્ટ કોડિંગ અને સિસ્ટમનું નિર્માણ કરનાર અધ્યાપકોને બિરદાવવામાં આવ્યા હતા.
પોરબંદરની શિક્ષણ જગતમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા આઈ.ટી. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે એ.આઈ. આધારિત સ્માર્ટ કોડિંગ અને અભ્યાસ સહાયક સિસ્ટમ વિકસાવવામાં આવી છે.ઇન્ટરનેટ વિના કાર્ય કરી શકતી આ આધુનિક સિસ્ટમનું ટ્રસ્ટ ઓફિસ ખાતે નિદર્શન કરવામાં આવ્યું હતું.આ સિસ્ટમ દ્વારા બી.સી.એ. અને એમ.એસ.સી.આઈ.ટી.ના વિદ્યાર્થીઓને કોડિંગ શીખવા,પ્રોગ્રામિંગ પ્રોજેક્ટ સમજવા, ટેક્નોલોજી આધારિત અભ્યાસ અને પ્રેક્ટિકલ રિસર્ચમાં સહાય મળશે.નવીન ટેક્નોલોજી ક્ષેત્રે અનોખી પહેલ બદલ કોલેજના કમ્પ્યુટર સ્ટાફનું અભિવાદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ડાયરેક્ટર ડો.ધવલભાઈ ખેરે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં ઇનોવેશન અને ક્રિટિકલ થિંકિંગનું મહત્વ સતત વધી રહ્યું છે અને હવે એ.આઈ.નું જ્ઞાન દરેક વિદ્યાર્થી માટે આવશ્યક બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલી આ વિદ્યાર્થી કેન્દ્રી સિસ્ટમ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી લેવલનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં મદદરૂપ બનશે. ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા શિક્ષણપ્રેમી ડો.વિરમભાઈ ગોઢાણીયાએ સિસ્ટમનું લોન્ચિંગ કરતા જણાવ્યું હતું કે એ.આઈ.નો ઉપયોગ હવે માત્ર આઈ.ટી. ક્ષેત્ર પૂરતો મર્યાદિત નથી,પરંતુ બેન્કિંગ, હેલ્થકેર, મેનેજમેન્ટ, શિક્ષણ, કૃષિ, બિઝનેસ અને સાયબર સિક્યુરિટી સહિત દરેક ક્ષેત્રમાં તેની ઉપયોગિતા વધી રહી છે. તેમણે બી.સી.એ. અભ્યાસક્રમને એ.આઈ. ક્ષેત્રમાં પ્રવેશ માટેનો મજબૂત પાયો ગણાવ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ એસાઈમેન્ટ, મીની પ્રોજેક્ટ, પ્રોગ્રામિંગ તથા રિસર્ચ કાર્યોમાં આ સિસ્ટમનો અસરકારક ઉપયોગ કરી શકશે. ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો.ઈશ્વરલાલ ભરડાએ નવી શિક્ષણ નીતિ મુજબ વોટ ટુ થીંક કરતાં હાઉ ટુ થીંક વધુ મહત્વપૂર્ણ હોવાનું જણાવી આ પ્રયોગને સમયોચિત ગણાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે દેશની ભાવિ પેઢીના સામર્થ્ય વિકાસ માટે આવી ટેક્નોલોજી આધારિત પહેલ ખૂબ જરૂરી છે.આ એ.આઈ. આધારિત સિસ્ટમ વિશ્વપ્રસિદ્ધ ચૂયક્ષ2-ઈજ્ઞમયિ-7ઇ મોડેલ પર આધારિત છે,જે જટિલ પ્રોગ્રામિંગ કોડ, પ્રશ્નોના ઉકેલ અને માહિતી વિશ્ર્લેષણમાં વિદ્યાર્થીઓને ઝડપી અને અસરકારક માર્ગદર્શન પૂરું પાડે છે. સમગ્ર પ્રોજેક્ટ આઈ.ટી. વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિતેશભાઈ મદલાણીના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યારે ડો.ધવલભાઈ ખેર અને સિનિયર પ્રોફેસર ડો. નીરવભાઈ દતાણીના માર્ગદર્શન હેઠળ તેનું સંચાલન પૂર્ણ થયું હતું.આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટીઓ, ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતનભાઈ શાહ, ડો.ઈશ્વરભાઈ ભરડા,યોગા કોલેજના કો-ઓર્ડિનેટર જીવાભાઈ ખૂંટી, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી,ચેતનભાઈ જોશી સહિત ગોઢાણીયા પરિવારના સભ્યોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ