પારકી દીકરી ઘરમાં આવી, ઘરની દીકરીને ઉજાડી ગઇ ! સગાઇ તોડવાની વાતના ડખ્ખામાં મંગેતરે કરી નણંદની ઘાતકી હત્યા !


વેકેશન અને પુરુષોત્તમ માસ નિમિત્તે પીયરીયે આવેલી પરીણીતાનું થયુ ખૂન:બીરલાહોલ પાછળ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં બન્યો બનાવ: પોરબંદર લોહાણા સમાજમાં ભારે ચકચાર મચાવનારા કિસ્સામાં યુવતી અને તેના માતા-પિતા સામે હત્યાનો ગુન્હો થયો દાખલ

પોરબંદરમાં એક યુવાનની સગાઇ તોડવાની વાતના ડખ્ખામાં તેની મંગેતર અને મંગેતરના માતા-પિતા આ યુવાનના ઘરે આવ્યા હતા અને માથાકૂટ થતા મંગેતર અને તેના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને મારામારી કરતા પુરુષોતમ માસ અને વેકેશન અનુસંધાને પીયરીયે આવેલી નણંદને ધકકો મારી દેતા કબાટમાં માથુ અફડાયુ હતુ અને મારામારીના આ બનાવમાં તેનું કરૂણ મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો છે અને યુવાને તેની મંગેતર અને સાસુ-સસરા સામે ખુનનો ગુન્હો દાખલ કર્યો છે. પોરબંદર લોહાણા સમાજમાં આ બનાવે ભારે ચકચાર મચાવી છે.
11 મહિના પહેલા થઇ હતી સગાઇ
પોરબંદરમાં બીરલાહોલ પાછળ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ભાવસિંહજી હોસ્પિટલ પાછળ શીતલ કોમ્પલેકસની સામે ગિરિરાજ મોબાઇલ નામની દુકાન ધરાવતા હિત કીરીટભાઇ પોપટ નામના 28 વર્ષના યુવાને કમલાબાગ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે પોરબંદરના ફાયરબ્રિગેડ સ્ટેશન સામે આવેલ શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશ લીલાધર રાયચુરાની દીકરી સુહાસી સાથે 11 મહિના પહેલા તા. 15-6-2025ના રોજ તેની સગાઇ થઇ હતી અને ત્યારબાદ અવારનવાર પ્રસંગોપાત સુહાસી ઘરે આવતી હતી.
સગાઇ બાદ આઠ મહિનામાંજ ઝઘડા
સુહાસી રાજકોટ ખાતે નોકરી કરતી હતી અને રજા પર આવે ત્યારે પોરબંદર હિત પોપટ અને તેના પરિવારના સભ્યોને મળતી હતી. છેલ્લા દોઢ બે મહિનાથી નાની નાની વાતમાં સુહાસીને હિતના પરિવારના સભ્યો સાથે ઝઘડા થતા હતા. રૂબરૂ અને ફોનમાં માથાકૂટ થઇ હતી અને ત્યારબાદ ઝઘડા વધતા જતા હતા.
યુવાને લગ્નનો કર્યો ઇન્કાર
ત્યારબાદ સગાઇ પછી આ પ્રકારના ઝઘડાનું પ્રમાણ વધી જતા હીતે તેના પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ મંગેતર સુહાસીને જણાવી દીધુ હતુ કે ‘મારે તારી સાથે લગ્ન કરવા નથી.’ જેથી બે -ત્રણ દિવસથી સુહાસી અને તેની માતા શિલ્પાબેન તથા પિતા જગદીશભાઇ ફરીયાદીના ઘરે આવીને ‘લગ્ન કેમ નહી કરો?’ તેમ કહીને એલફેલ બોલીને ઝઘડા કરતા હતા.
બપોરના સમયે થઇ માથાકૂટ
બુધવારે બપોરના ત્રણેક વાગ્યે ફરીયાદી હિત પોપટ તથા તેના માતા ક્રિષ્નાબેન, પિતા કીરીટભાઇ તથા વેકેશન અનુસંધાને તેમજ પુરુષોતમ માસ નિમિત્તે પીયરીયે આવેલી બહેનો જૂનાગઢ રહેતી મોટીબેન વૃન્દાબેન વિશાલભાઇ નિર્મળ ઉ.વ. 35 તથા નાની બહેન જામખંભાળીયા રહેતી હિતાંશી પુર્વ ભાયાણી ઘરે આવ્યા હતા અને બપોરે બેઠા હતા ત્યારે મંગેતર સુહાસી ઘરે આવી હતી અને ‘તમે મારી સગાઇ કેમ તોડો છો?’ તેમ કહી ફરીયાદીના પરિવારજનોને ગાળો બોલવા લાગી હતી આથી પરિવારના સભ્યોએ તેને સમજાવતા મારવા માટે હાથ ઉગામ્યો હતો તેથી મોટી બહેન વૃન્દાએ મોબાઇલમાં વીડીયો ઉતારવા જતા સુહાસીએ તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને ‘તું વીડીયો ઉતારીશ એટલે તને મારી નાખવી છે’ તેમ કહીને ફરીયાદી હિતનું પણ ગળુ પકડી લીધુ હતુ અને ફોન કરીને બારીમાંથી ઉંચા અવાજે બોલવા લાગી હતી. જેથી સુહાસીના માતા-પિતા શિલ્પાબેન અને જગદીશભાઇ પણ આવી ગયા હતા.
કબાટમાં માથુ અથડાયુ
સુહાસીના માતા-પિતાએ ‘મારી દીકરી સાથે લગ્ન નહી કરાવો તો તમને બધાને મારી નાખીશ’ તેમ કહી ત્રણે જણ સાથે મળીને હિત તથા તેના માતા-પિતા તથા બંને બહેનોને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. એ દરમ્યાન મોટી બહેન વૃન્દાએ એક હાથમાં નાની બહેનનો દીકરો આદિત્ય તેડયો હતો અને બીજા હાથમાં મોબાઇલ લઇને વીડીયો ઉતારવા જતા સુહાસીના પિતા જગદીશે ઘરમાં રહેલો પ્લાસ્ટિકનો પાઇપ વૃન્દાને મારવા જતા બહેનને બચાવવા ભાઇ હિત વચ્ચે પડયો હતો. આથી જગદીશે તેને પકડી રાખ્યો હતો. સુહાસી અને તેની માતા શિલ્પાએ વૃન્દાને‘હવે તો તને મૂકવી નથી’ તેમ કહી જોરથી ધકકો મારી કબાટમાં ભટકાડી દેતા વૃન્દા ઉલ્ટી કરીને બેભાન થઇ ગઇ હતી.
બુમાબુમ થતા નાશી ગયા
હિત પોપટ અને તેના પરિવારજનોએ બુમાબુમ કરતા ત્રણેય ત્યાંથી નાશી ગયા હતા તે દરમ્યાન ફરીયાદીના મિત્ર જય મનોજ પાણખાણીયાએ 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી હતી અને વૃન્દાના નાકમાંથી પીળુ પ્રવાહી નીકળતુ હતુ તેથી તેને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઇ ગયા ત્યાં ફરજ પરના તબીબોએ વૃન્દાને મૃત જાહેર કરી હતી.
હત્યાનો ગુન્હો દાખલ
અંતે હિત પોપટે તેની મંગેતર સુહાસી તથા તેના સાસુ-સસરા જગદીશ લીલાધર રાયુચરા અને શીલ્પા જગદીશ રાયચુરા સામે ખૂનનો ગુન્હો દાખલ કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ગરબા શીખવાડતા -શીખવાડતા થયો હતો પરિચય !
પોરબંદરમાં મોબાઇલના ધંધાર્થી હિત કીરીટ પોપટે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છે કે પાંચ છ વર્ષ પહેલા વીકેશ દતાણીના વી.કે. ગરબા કલાસીસમા તે ટ્રેનર તરીકે કામ કરતો હતો અને ચારેક વર્ષ પહેલા એમ.જી. રોડ ઉપર આવેલ હોલમા તે કામ કરતો હતો તે સમયે સુહાસી જગદીશ રાયચુરા ગરબા શીખવા આવતી હતી અને તેની સાથે મુલાકાત થઈ હતી.
10 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી
પોરબંદરમાં પારિવારિક ઝઘડામાં મહિલાની હત્યા થઇ છે તેબનાવમાં દસ વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક વૃન્દા ઉ.વ. 35ના લગ્ન 13 વર્ષ પહેલા જૂનાગઢ ખાતે રહેતા વિશાલકુમાર ધીરજલાલ નિર્મળ સાથે થયા હતા અને સંતાનમાં એક દીકરો વિવાન કે જે હાલ દસ વર્ષનો છે તેણે માતાની છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી ફેલાઇ છે.
નણંદની હત્યારી પોતાના માતા પિતા સાથે ઝડપાઈ ગઈ
પોરબંદરમાં થયેલ હત્યાના બનાવમાં સંડોવાયેલ યુવતી અને તેના માતા-પિતા શહેર છોડીને ભાગી જાય તે પહેલા પોલીસે પકડી લીધા હતા. પોરબંદરના બિરલા હોલ પાછળ નણંદ વૃંદા વિશાલકુમાર નિર્મળ ની હત્યા ના ગુનામાં સંડોવાયેલ મૃતક વૃંદા ના ભાઈ હિત પોપટની મંગેતર સુહાસી જગદીશ રાયચુરા તથા તેનો પિતા જગદીશ લીલાધર અને માતા શિલ્પાબેન ત્રણેય હત્યા પછી પોતાના ઘરે ગયા હતા અને ત્યાંથી બહાર ભાગી જવાની તૈયારી કરતા હતા ત્યારે જ પોલીસને માહિતી મળતા કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.જે.રામ ના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં હેડકોન્સ્ટેબલ ભીમશી પરબતભાઈ, નરેન્દ્ર ત્રિકમભાઈ, કોન્સ્ટેબલ સાજન રામશીભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, વિજય ખીમાભાઈ, સુરેશ કિસાભાઇ, દક્ષાબેન ગિજુભાઈ વગેરે એ તાત્કાલિક તેના મકાને જઈને ત્રણેયને પકડી પાડ્યા હતા તથા આગળની પૂછપરછ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ