ચોમાસા દરમિયાન લોકો થાય છે વધુ હેરાન પરેશાન: આમ આદમી પાર્ટી દ્વારા વીજતંત્રને પાઠવવામાં આવ્યું આવેદન
પોરબંદર નજીકના રાણાકંડોરણા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો પૂરો પાડવા અને ચોમાસા દરમિયાન લોકો હેરાન થાય નહીં તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાણા કડોરણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) અને કુતિયાણા વિધાનસભાના પ્રભારી મેરૂભાઈ ઓડેદરાએ વીજતંત્ર ના નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર સુપરત કરી, ચોમાસા પૂર્વેની તમામ કામગીરી પૂર્ણ કરવા માટે કડક શબ્દોમાં માંગણી કરી છે.
ગત વર્ષોના અનુભવો
મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસાની ઋતુમાં રાણા કડોરણા વિસ્તારના નાગરિકોએ વીજળીની મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વીજ લાઇન પર વૃક્ષોની ડાળીઓ પડવાથી, વાયરો ઢીલા થવાથી અને જર્જરિત વીજ પોલના કારણે વારંવાર વીજળી ગુલ થઈ જાય છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીમાં રહેલી બેદરકારી અને અધૂરા આયોજનના કારણે ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડી છે. આ વર્ષે આવી કોઈ પણ બેદરકારી ગ્રામજનો સહન કરશે નહીં.
મુખ્ય માંગણીઓ અને સૂચનો
રાણા કડોરણા હેઠળ આવતા તમામ ફીડરો પર વીજ લાઈનને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું વ્યવસ્થિત રીતે કટિંગ કરવામાં આવે જેથી લાઈન ટ્રીપ થવાની સમસ્યા નિવારી શકાય. લાઈન પરના ઢીલા વાયરો ખેંચીને તેમને વ્યવસ્થિત કરવામાં આવે. સાથે જ, જે સ્થળોએ પોલ જર્જરિત અવસ્થામાં છે, તેવા તમામ પોલ તાત્કાલિક બદલવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.સરકાર દ્વારા પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સ માટે જે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેનો ઉપયોગ કાગળ પર નહીં પરંતુ જમીની હકીકત પર દેખાવો જોઈએ. આ ગ્રાન્ટનો પૂરેપૂરો, પારદર્શક અને જવાબદારીપૂર્વક ઉપયોગ થાય તે અત્યંત અનિવાર્ય છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે વાવાઝોડા જેવી સ્થિતિમાં વીજળીની સમસ્યા સર્જાય તો તેને પહોંચી વળવા માટે ઇમરજન્સી ટીમની તૈયારીઓ અત્યારથી જ પૂર્ણ રાખવામાં આવે.
મેરભાઈ ઓડેદરાએ પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ચોમાસુ બેસે તે પહેલાં જ આ તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થવી જોઈએ. જો સમયસર કામગીરી કરવામાં નહીં આવે અને ગ્રામજનોએ અંધારામાં રહેવાનો વારો આવશે, તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ગ્રામજનોને અવિરત અને વ્યવસ્થિત વીજ પુરવઠો મળે તે માટે વીજતંત્રના અધિકારીઓ તેમની જવાબદારીનું વહન કરે તેવી અપેક્ષા આમ આદમી પાર્ટીએ વ્યક્ત કરી છે.
